Site icon Revoi.in

રાજકોટના 200 સફાઈ કામદારો જામનગરમાં રોગચાળો અટકાવવા સફાઈની કામગીરી કરશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના  જામનગર પંથકમાં ભારે વરસાદ અને પૂરને લીધે શહેર-જિલ્લાના અનેક વિસ્તારો  પ્રભાવિત થયા છે. મંગળવારે જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા  મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી જાતે બાઇક લઇ રાત્રે શહેરમાં નીકળ્યા હતા. કમિશ્નરે જાત નિરીક્ષણ કર્યા બાદ તંત્રને સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આવા સંજોગોમાં રોગચાળો અટકાવવા માટે રાજકોટ મનપાના 200 સફાઈ કર્મચારીઓ બે સિટી બસમાં જામનગર રવાના થયા છે. આ સફાઈકર્મીઓ જામનગર પહોંચી ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા સફાઈ કામગીરી હાથ ધરશે.

સૌરાષ્ટ્રમાં તાજેતરમાં જામનગર પંથક ભારે વરસાદમાં પડ્યો હતો. જામનગર શહેરમાં વરસાદી પાણી સુકાયા બાદ આ નિચાણવાળા તમામ વિસ્તારોમાં વ્યાપક કાદવ-કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. કાદવ- કિચડના સામ્રાજ્યના પગલે દુર્ગંધ અને રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. તેના નિવારણ અર્થે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે. સિંહની રાહબરી હેઠળ 200 સફાઈ કર્મચારીઓને જામનગર મોકલવામાં આવ્યા હતા.

જામનગરમાં તોફાની વરસાદ, રંગમતી નાગમતીમાં પૂર અને રણજીતસાગર ઓવરફલો થતા જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસ્યા હતા. જેને પગલે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. શહેરના રામેશ્ર્વરનગર, નાગેશ્ર્વર, ઘાંચીની ખડકી, ભોંઇવાડા તેમજ ધુંવાવ નાકા નજીક અને પટ્ટણીવાડ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગરમાં જિલ્લામાં ભારે વરસાદના પગલે મોટાભાગના ગામડાઓમાં સ્થળ ત્યાં જળની સ્થિતી જોવા મળી હતી. જેને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો તો રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો. ગઈકાલે રાત્રે જામનગર શહેરમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી. જેમાં 30 ટેક્ટર તેમજ 11 જેસીબી સહિત રાત્રી 1200 સફાઈ કર્મચારી કામગીરી હાથ ધરી હતી. જેમાં સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરને ચોખ્ખું બનાવવા માટે કમિશ્નર અને નાયબ કમિશનરે જરૂરી સુચના આપી હતી અને શહેરની પરિસ્થિતિ સામાન્ય કરવા માટે તંત્ર દ્વારા રાત્રે સમયે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.