Site icon Revoi.in

રાજકોટના રસરંગ મેળાની રાત્રે 12 વાગ્યા સુધી મજા માણી શકાશે, રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન,

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટમાં તો 6 દિવસનો લોકમેળો દરવર્ષે યોજાતો હોય છે. આ વર્ષે રાજકોટમાં સાતમ આઠમના યોજાનારા લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. આ મેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો અને વહિવટી તંત્ર વચ્ચે ભાવ વધારો અને સમય વધારવાની માગના પ્રશ્ને મડાગાંઠ સર્જાતા રાઈડના સંચાલકોએ પ્લોટની હરાજીમાં ભાગ લેવાનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ  જિલ્લા કલેક્ટરની સાથે યોજાયેલી બેઠકમાં આ વિવાદનું સમાધાન થતા  હરાજી યોજાઈ હતી. જેમાં ભાવ વધારો નામંજૂર કરાયો હતો. તેમજ લોકમેળો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો.

રંગાલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રસરંગ લોકમેળાનું આગામી તારીખ 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાંત્રિક રાઈડ્સ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે વિવાદ સર્જાતા અગાઉ હરાજી મોકૂફ રખાઇ હતી. જોકે જિલ્લા કલેક્ટરની સાથે યોજાયેલી બેઠકમાં આ વિવાદનું સમાધાન થતા આજે હરાજી યોજાઈ હતી. જેમાં ભાવ વધારો નામંજૂર કરાયો હતો. તેમજ લોકમેળો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ અંગે યાંત્રિક રાઈડ્સ એસોસિએશનનાં સંચાલક ઝાકીરભાઈ બ્લોચે જણાવ્યું હતું કે, કોર્ટનાં આદેશ મુજબ સમય વધારો આપવામાં આવ્યો છે. તો ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો મેળામાં આવતા હોવાથી કલેક્ટરે અમે સૂચવેલા રૂ.20નાં ભાવ વધારાની સામે રૂ.10નો ભાવ વધારો મંજૂર કર્યો હતો. તમામ રાઈડ્સ સંચાલકોએ કલેક્ટરનો આ નિર્ણય માન્ય રાખતા મોટી રાઈડ્સ માટે રૂ. 40 અને નાની રાઈડ્સ માટે રૂ. 30 ટિકિટ મંજૂર કરવામાં આવી છે. સાથે જ રાત્રિનાં 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવા અને મેળાનો 1 દિવસ વધારવા માટે બાદમાં નિર્ણય લેવાનું તંત્રએ જણાવ્યું હતું. જે અંતર્ગત તમામ રાઈડ્સ સંચાલકોએ હરાજીમાં ભાગ લેતા સારી રીતે હરાજી સંપન્ન થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોર બાદ કુલ 44 યાંત્રિક રાઈડ્સની હરાજી યોજાઈ હતી. જેમાં 85 જેટલા રાઈડ્સ સંચાલકોએ ભાગ લીધો હતો. તંત્રએ અગાઉ પણ રૂ.10નો ભાવ વધારો માન્ય રાખ્યો હતો. એટલે કે, કોઈ ભાવ વધારો કરાયો નથી. રાઈડ્સ સંચાલકોએ 1 વાગ્યા સુધીનો સમય કરવાનું સૂચન કર્યું હતું. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શક્ય નહીં હોવાથી અમાન્ય રખાયું હતું. અગાઉ આ મુદ્દે વાંધો ઉઠાવતા રાઈડ્સ સંચાલકો માની ગયા હતા.