Site icon Revoi.in

રાજકોટનો યુવાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યો, ગુજરાત માટે ગૌરવની વાત

Social Share

જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત – આ કહેવતથી તો ભાગ્ય જ કોઈ ગુજરાતી અજાણ હશે. મોટા ભાગના ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં પોતાની આગવી ઓળખ મુકતા હોય છે. આવામાં ગુજરાતને ગૌરવ વધાર્યું છે રાજકોટના એક યુવાને.

આ યુવાને ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન વિભાગમાં ચૂંટણી જીતી છે અને હવે તે ત્યાંનો કોર્પોરેટર બની ગયો છે. વાત એવી છે કે મૂળ રાજકોટના અને છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા કેયૂર કામદારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં છેલ્લી 6 ટર્મથી સતત ચૂંટાતા ઉમેદવારને હરાવીને પ્રથમ ગુજરાતી કોર્પોરેટર બન્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાની આ ચૂંટણીમાં હાઉસ ટેક્સ, બાળકો માટેના પ્લે એરિયા વગેરે મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. કેયુરભાઈને 61 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફને 39 ટકા મળ્યા હતા. કેયુર કામદાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયામાં પર્થના રેઈન ફોર્ડ વોર્ડના કોર્પોરેટર તરીકે પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટાયા છે. છેલ્લી 6 ટર્મથી જીતતા આવતા અને ડેપ્યુટી મેયરના પદ સુધી પહોંચી ચૂકેલા હરીફ ઉમેદવારને હરાવીને કેયુરભાઈએ આ ગૌરવ હાંસલ કર્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં સામાન્ય રીતે થોડો ફર્ક જોવા મળે છે. ત્યાંની આ ચૂંટણી બેલેટ પેપર (Ballot paper) દ્વારા યોજાય છે. જેમાં લોકોને તેમના ઘરે આ બેલેટ પહોચાડવામાં આવે છે અને 15 દિવસની અંદર લોકોએ તેમની અનુકૂળતા મુજબ પોસ્ટ દ્વારા મોકલવાના હોય છે.