Site icon Revoi.in

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે,સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

Social Share

દિલ્હી : ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે તે આ અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા અગાઉ દાખલ કરાયેલી અરજીની યાદી આપશે, જેમાં રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે રામ સેતુ એ તમિલનાડુના દક્ષિણ પૂર્વ કિનારે આવેલા પમ્બન ટાપુથી લઈને શ્રીલંકાના ઉત્તર પશ્ચિમ કિનારે મન્નાર દ્વીપ સુધીના ચૂનાના ખડકોની શ્રેણી છે.તેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે. બીજેપી નેતાએ કહ્યું હતું કે તેઓ મુકદ્દમાના પ્રથમ રાઉન્ડમાં જીતી ગયા હતા, જે અંતર્ગત કેન્દ્ર સરકારે રામ સેતુના અસ્તિત્વને સ્વીકાર્યું હતું. ભાજપના નેતાએ અગાઉ યુપીએ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ સેતુસમુદ્રમ જળમાર્ગ પ્રોજેક્ટ સામેની તેમની પીઆઈએલમાં રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો, જેણે 2007માં રામ સેતુ પરના પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું હતું. ત્યારે કેન્દ્રએ કહ્યું હતું કે તે પ્રોજેક્ટના “સામાજિક-આર્થિક નુકસાન”ને ધ્યાનમાં લે છે અને રામ સેતુને નુકસાન પહોંચાડ્યા વિના જળમાર્ગ પ્રોજેક્ટ માટે અન્ય માર્ગ શોધવા માંગે છે. ત્યારબાદ કોર્ટે સરકારને નવેસરથી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.