Site icon Revoi.in

અમદાવાદમાં સેવાયજ્ઞની ટીમ દ્વારા 1000 ગરીબ પરિવારોને અપાતી રાશન કિટ

Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોને મદદ કરી રહી છે. કોરોનાના કેસો બેકાબૂ બનતાં સરકારે સંક્રમણ અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. મીની લોકડાઉનની જાહેરાતને પગલે રોજનું લાવી રોજ ખાતા એવા ગરીબ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમને એક ટંક માંડ ભોજન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના ઝુબિન આશરાની “સેવાયજ્ઞ ટીમ” દ્વારા અમદાવાદ શહેરમાં ગરીબ અને મજૂર વર્ગના ફૂટપાથ પર રહેતા લોકોને એક અઠવાડિયાની રાશન કિટ આપવામાં આવી રહી છે. સેવાયજ્ઞ ટીમ દ્વારા દરરોજ શહેરના એક હજાર જેટલા પરિવારને આ રાશન કિટ આપી મદદ કરવામાં આવે છે.

કોરોનાના સંક્રમણને લીધે હાલ મીની લોકડાઉન લાદીને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ત્યારે શ્રમિક વર્ગ અને રોજનું લાવીને રોજ ખાતા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. કોરોનાની મહામારીની પહેલી લહેરમાં લોકડાઉન બાદ ગરીબ અને મજૂર વર્ગની હાલત કફોડી બની ગઈ હતી. તેમને બે ટાઈમ જમવાનાં ફાંફાં પડી ગયા હતા. મજૂર વર્ગ પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ ન હતો. ત્યારે અલગ અલગ સંસ્થાઓ આવા ગરીબ લોકોની મદદે આવી હતી. બીજી લહેરમાં કોરોનાના કેસો વધતાં મીની લોકડાઉનની જાહેરાત કરી છે, જેને કારણે રોજનું લાવી રોજ ખાતા મજૂર વર્ગ મુશ્કેલીમાં મુકાતાં ફરી લોકો ગરીબોની મદદે આવ્યા છે.

સેવાયજ્ઞ ટીમના ઝુબિન આશરાએ જણાવ્યું હતું કે મીની લોકડાઉનમાં રોજગાર-ધંધા બંધ હોવાથી ગરીબ અને મજૂર વર્ગના લોકોને ખાવાની તકલીફ ઊભી થઈ છે, જેથી સેવાયજ્ઞ ટીમ દ્વારા અમદાવાદમાં દરરોજ રાતે અલગ વિસ્તારમાં ફરી ફૂટપાથ, રેનબસેરા, બ્રિજ નીચે અને ઝૂંપડાંમાં રહેતા ગરીબ પરિવારોને રાશન કિટ આપવામાં આવી રહી છે. દરરોજ એક હજાર પરિવારને રાશન કિટ આપવામાં આવે છે. એક રાશન કિટમાં લોટ, ખાંડ, મરચું, તેલ, દાળ, ચોખા વગેરે આપવામાં આવે છે. 4 લોકોના પરિવારને એક અઠવાડિયા જેટલું રાશન જોઈએ એટલું કિટમાં ભરીને આપવામાં આવે છે. એક અઠવાડિયા સુધી પરિવારને તકલીફ ન પડે એવી રીતે સમગ્ર કિટ ભરી દરરોજ ટીમના સભ્યો ગરીબો સુધી પહોંચાડી રહ્યા છે. ગરીબ અને મજૂર વર્ગને ઓક્સિજન કે બેડની નહીં, પરંતુ અત્યારે ઘર ચલાવવા માટે મદદની જરૂર હોય છે. ત્યારે સેવાયજ્ઞ ટીમ તેમની વહારે આવી મદદ કરી રહી છે.