ઢાકા, 15 જાન્યુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારત પ્રવાસ પર આવવાને બદલે સ્થળ બદલવાની જીદ કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)માં મોટું ભંગાણ પડ્યું છે. સુરક્ષાના બહાના હેઠળ ભારત પ્રવાસનો વિરોધ કરી રહેલા બોર્ડ સામે હવે બાંગ્લાદેશના ખેલાડીઓએ જ યુદ્ધ છેડ્યું છે. BCB ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષ નજમુલ ઈસ્લામના વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનને કારણે બાંગ્લાદેશી ક્રિકેટરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ આંતરિક કલહનું મુખ્ય કારણ નજમુલ ઈસ્લામનું નિવેદન છે. પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે બોર્ડને સલાહ આપી હતી કે રાજકારણને બદલે ક્રિકેટને પ્રાથમિકતા આપીને ભારતમાં રમવા જવું જોઈએ. આ સલાહથી ઉશ્કેરાયેલા નજમુલે તમીમ ઈકબાલને ‘ભારતીય એજન્ટ’ કહીને સંબોધ્યા હતા. આ ઉપરાંત તેમણે ખેલાડીઓનું અપમાન કરતા કહ્યું હતું કે, “જો બાંગ્લાદેશ વર્લ્ડ કપ નહીં રમે તો બોર્ડને કોઈ નુકસાન નહીં થાય, માત્ર ખેલાડીઓ તેમની મેચ ફી ગુમાવશે.”
- BPL પર તોળાઈ રહ્યું છે જોખમ
ક્રિકેટર્સ વેલફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે જો નજમુલ ઈસ્લામ ની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની મેચ પહેલા રાજીનામું નહીં આપે, તો તમામ ખેલાડીઓ ક્રિકેટનો બહિષ્કાર કરશે. ખેલાડીઓના આ વલણને કારણે બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સમાં પણ ફફડાટ ફેલાયો છે.
- બોર્ડનું અહંકારી વલણ: “ખેલાડીઓનું કોઈ અસ્તિત્વ નથી”
નજમુલે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડ ખેલાડીઓને કોઈ વળતર આપશે નહીં. “જો ખેલાડીઓ મેદાન પર પ્રદર્શન ન કરી શકે તો તેમના પર ખર્ચાયેલા કરોડો રૂપિયા શું બોર્ડ પાછા માંગે છે? બોર્ડ વગર ખેલાડીઓનું અસ્તિત્વ ટકવું મુશ્કેલ છે.” આ પ્રકારની ભાષાને કારણે માત્ર સ્ટાર ખેલાડીઓ જ નહીં પરંતુ નવોદિત ખેલાડીઓ પણ બોર્ડની વિરુદ્ધ થઈ ગયા છે.
- BCB દ્વારા ડેમેજ કંટ્રોલની કોશિશ
સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ BCBએ તાત્કાલિક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે નજમુલ ઈસ્લામનું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય હતો અને બોર્ડ તેની સાથે સહમત નથી. બોર્ડે ખેલાડીઓની લાગણી દુભાવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે. જોકે, ખેલાડીઓ હવે નજમુલના રાજીનામા સિવાય કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર નથી.
આ પણ વાંચોઃએકબીજા પ્રત્યે સદભાવ રાખી, ભેદભાવ દૂર કરી, એકતાના સૂત્રને આત્મસાત કરીએઃ રાજ્યપાલ

