Site icon Revoi.in

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસની નિમણૂક માટે સાત જેટલાં સિનિયર ધારાશાસ્ત્રીઓના નામની ભલામણ

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં સાત જેટલા સિનિયર લોયર્સની જસ્ટિસ તરીકે નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન. એસ. ભટ્ટના પુત્ર સંદીપ ભટ્ટ સહિત 7 સિનિયર વકીલોનો સમાવેશ થાય છે.

સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવા જે નામોની ભલામણ કરવામાં આવી છે, જેમાં  હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીઓમાં રાજકોટના જાણીતા સિનિયર એડવોકેટ એન.એસ. ભટ્ટના પુત્ર સંદીપ એન. ભટ્ટ, મૌના મનીષ ભટ્ટ, સમીર જે. દવે, હેમંત પ્રચ્છક, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન માયી, નિરલ રશ્મિકાંત મહેતા અને નિશા મહેન્દ્રભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસની કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટની કોલેજીયમને મોકલવામાં આવેલા નામોમાંથી સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ અને બે સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિઓની કોલેજીયમ દ્વારા ઉપરોક્ત સાત નામોને બહાલી આપવામાં આવી હોવાનું કહેવાય છે. હવે આ અંગેની આખરી વહીવટી પ્રક્રિયા અને કેન્દ્ર સરકારની સંમતિ બાદ રાષ્ટ્રપતિ દ્વારા ઉપરોક્ત સાતેયને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકેની નિમણૂકો આપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  હાલ ગુજરાત હાઇકોર્ટમાં ૫૨ જજોની જગ્યા મંજૂર કરવામાં આવી છે, તે પૈકીના  26ના સંખ્યાબળથી વડી અદાલતની કાર્યવાહી ચાલે છે, જેમાં હવે સાત નવા જજનો ઉમેરો થયા બાદ ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે તેવું કાનૂની વર્તુળો માની રહયા છે.