Site icon Revoi.in

ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો

Social Share

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના કાળ દરમિયાન રેલવે જંક્શન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ ભાડું વધતા મુસાફરો સહિત તેમના સગા સંબધીઓને હાલાકી પડી રહી હતી ત્યારે ભાવનગર અને રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ભાડા ઘટાડવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના રેલવે સ્ટેશનો પર હવે થી રૂ.30 ની જગ્યાએ રૂ.10 પ્લેટફોર્મ ભાડું રહેશે.
​​​​​​​
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર પ્લેટફોર્મનું રૂ. 30 ભાડુ લેવાતું હતું. જે અંગે રેલવે વિભાગને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી .જેને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દર ઘટાડવામાં આવ્યા છે. આ અંગે ભાવનગર ડિવિઝનના સહાયક વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા, રાજકોટ ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક અભીનવ જૈફની યાદીમાં જણાવ્યા મુજબ મુસાફરોને રાહત મળે માટે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના ભાડામાં ઘટાડો કરાતા પ્લેટફોર્મ ટિકિટ જે પહેલા રૂ.30 હતી તે હવે ઘટાડી રૂ. 10 કરવામાં આવી છે. આથી ભાવનગર ટર્મીનસ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, વેરાવળ અને રાજકોટ મંડળના દ્વારકા, જામનગર, રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર સહિતના સ્ટેશનો પર હવેથી નવા પ્લેટફોર્મ ટિકિટ દર વસુલવામાં આવશે. ત્યારે રેલવે વિભાગના આ નિર્ણયથી મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.  સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાતા તેની આવકમાં ઘટાડો થયો હતો. ઘણા કિસ્સમાં તો નજીકના સ્ટેશન કરતા ટિકિટની ભાવ વધુ હતા. આ અંગે પેસેન્જર એસો. દ્વારા રજુઆતો પણ કરવામાં આવી હતી. આખરે પ્લેટફોર્મના ટિકિટના ભાવ ઘટાડવાની ફરજ પડી હતી.