Site icon Revoi.in

યુવાઓના કોવિડ રસીકરણ સંદર્ભે અમદાવાદની NIMCJ સંસ્થા દ્વારા પેનલ ચર્ચાનું ઓનલાઇન આયોજન

Social Share

અમદાવાદ: વર્તમાનમાં જ્યારે સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આ મહામારીથી ખુદને સુરક્ષિત રાખવા માટે રસીકરણ એ હાલમાં એકમાત્ર ઉપાય છે. આ જ દિશામાં, આગામી થોડાક દિવસોમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાનો માટે કોવિડ રસીકરણની મહાઝુંબેશ શરૂ થવા જઇ રહી છે.

આ મહાઝુંબેશ દરમિયાન જેમનું રસીકરણ થવાનું છે એ યુવાઓના અને એમના પરિવારજનોમાં રસીકરણને લઇને અનેક પ્રશ્નો કે મુંઝવણ હોઇ શકે છે ત્યારે રસીકરણ શરૂ થાય એ પહેલા જ તેઓના આ પ્રશ્નોના ઉત્તરો મળી જાય તો તેઓ કોઇપણ પ્રકારના ડર વગર રસીકરણ કરાવી શકે. રસીકરણ કરાવીને ખુદને તેમજ અન્યને પણ સુરક્ષિત કરી શકે.

યુવાઓના આ જ પ્રશ્નોના ઉત્તર માટે આગામી શનિવારે બપોરે 12.00 વાગ્યે એક મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ NIMCJ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચામાં નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના ડિરેક્ટર ડો. શિરીષ કાશીકરની સાથે જામનગરની શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદનાં મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ જોડાશે.

આ કાર્યક્રમનું સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઇવ પ્રસારણ થશે ત્યારે ગુજરાતની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો તેમજ આ વિષયની જાણકારી પ્રાપ્ત કરવા માંગતા સહુ કોઇને આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ છે. પેનલ ચર્ચા દરમિયાન જો કોઇ પ્રશ્ન પૂછવા હોય તો કૉમેન્ટ બોક્સમાં પોતાનું નામ લખીને પ્રશ્નો પૂછી શકે છે. દરેક પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અહીંયા દર્શાવેલી લિંક પર ક્લિક કરીને તમે લાઇવ પ્રસારણ જોઇ શકો છો – NIMCJ – Freedom of Expression

(સંકેત)