Site icon Revoi.in

અમદાવાદમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ માસ્કના નિયમના ઉલ્લંઘનના કેસો વધ્યા

Social Share

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા જ પોલીસ માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા વિરુદ્વ કડક બની છે. શહેર પોલીસ અનુસાર, શહેરમાં મનપાની ચૂંટણી પૂરી થયા બાદ માસ્કના નિયમના ઉલ્લંઘન મામલે કરાતા દંડોમાં 80 ટકા સુધીનો વધારો થયો છે.

કોરોના મહામારી અને લોકડાઉન બાદ આ પ્રથમવાર હશે જ્યારે આટલી ઓછી સંખ્યામાં માસ્ક ઉલ્લંઘનના કેસો સામે આવ્યા છે. જો કે ચૂંટણી પૂરી થયા બાદ પોલીસ દ્વારા માસ્કના ઉલ્લંઘન મામલે કરાતા દંડના કેસોમાં વધારો થઇ રહ્યો છે.

23મી ફેબ્રુઆરીએ જ્યારે મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું તે દિવસે પોલીસે 22 લોકોને દંડ કર્યો હતો, આ બાદ તે સંખ્યામાં સતત વધારો થતો રહ્યો. રવિવારે, શહેર પોલીસે 327 લોકોના માસ્કના ઉલ્લંઘન મામલે દંડ ફટકાર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે તેમને માસ્કના ઉલ્લંઘન મામલે ઓછા કેસો નોંધવા કહેવાયું હતું.

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ તે બાદ સ્પષ્ટ રીતે દેખાય તેમ માસ્કના ઉલ્લંઘન માટે દંડના કેસો ઘટ્યા છે. 23મી જાન્યુઆરીએ જ્યારે સ્થાનિક ચૂંટણીની જાહેરાત કરાઈ હતી, ત્યારે પોલીસે 2187 લોકોને દંડ કર્યો હતો, જે 6 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 600 થઈ ગયો અને ચૂંટણીના થોડા દિવસો પહેલા વધુ ઘટીને 200થી પણ ઓછો આંકડો થઈ ગયો હતો.

(સંકેત)