Site icon Revoi.in

અમદાવાદ: RTO એ ટેક્સ નહીં ભરનારા 9000 લોકોને ફટકારી નોટિસ

Social Share

અમદાવાદ: રાજ્યમાં જે વાહનોનો કોમર્શિયલ હેતુથી વપરાશ થતો હોય છે તેઓને દર વર્ષે આરટીઓને ટેક્સ આપવાનો હોય છે, પરંતુ વાહન માલિકો સમયસર આરટીઓ ટેક્સ ભરતા નથી. તેઓ ટેક્સ ભરતા નથી એટલે નુકસાન થઇ રહ્યું છે. જો કે, હવે અમદાવાદ આરટીઓ વાહન માલિકો પાસેથી ટેક્સ વસૂલવા માટે વધુ કડક પગલા લેવા માટે સજ્જ છે. આ માટે ટેક્સ બાકી હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ આરટીઓએ 9 હજાર ડિફોલ્ટરની એક યાદી તૈયાર કરીને તમામને નોટિસ ફટકારી છે. સાથે જ તમામને સમયસર ટેક્સ ભરવા માટે અપીલ પણ કરી છે. 9 હજાર વાહનના કુલ 19 કરોડ રૂપિયા ટેક્સ બાકી છે. હવેથી જો વાહન માલિકો સમયસર ટેક્સ નહીં ભરે અને જો ચેકિંગ દરમિયાન વાહનનો ટેક્સ બાકી જણાશે તો તેવા વાહનોને ડિટેઇન કરી દેવામાં આવશે. હાલ 50 જેટલા વાહનો ડિટેઇન કરી દેવામાં આવ્યા છે.

આ મામલે આરટીઓ અમદાવાદ બી.વી લિબાસિયાએ જણાવ્યુ હતુ કે, જે વાહનનો ટેક્સ બાકી છે તેવા વાહન માલિકોને નોટિસ આપવામાં આવી છે. મેક્સિ એસોસિએશન, બસ ઓપરેટર એસોસિએશન, ગુડ્સ વ્હિકલ સહિતના એસોસિએશનો સાથે બેઠક પણ કરવામાં આવી છે. આ સાથે જ વાહનના નંબરનું લિસ્ટ આપવામાં આપવામાં આવ્યું છે. જેમનો ટેક્સ બાકી છે તેઓ તાત્કાલિક ટેક્સ ભરી દે.

આરટીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વાહનનો નંબર દાખલ કરતા જ તમને ખબર પડી જશે કે તમારા વાહનનો ટેક્સ બાકી છે કે નહીં. આ ઉપરાંત તમારું નામ ટેક્સ ડિફોલ્ટરની યાદીમાં છે કે નહીં તે પણ ખબર પડી જશે. જેમનું નામ આ યાદીમાં હોય તેમને તાત્કાલિક ટેક્સ ભરવાની અપીલ કરવામાં આવે છે. જો કોઈ ટેક્સ નહીં ભરે તો તેમનું વાહન ડિટેઇન કરવામાં આવશે.

(સંકેત)