Site icon Revoi.in

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘યોગ’ વિષય પર 3 દિવસીય ઑનલાઇન કાર્યક્રમનું આયોજન

Social Share

અમદાવાદ: યોગ એ એક પ્રાચીન, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઇ નહીં પણ ભારત દેશ છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનું એક પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા અને મહત્વ સતત વધી રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિનો પરિચય યોગના માધ્યમથી મળે છે ત્યારે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના લગભગ 170થી વધુ દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ સ્પર્ધાઓ અને ઘણી વધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે.

આ વર્ષે 21 જૂન, 2021ના રોજ વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, ગુજરાત પ્રાંત દ્વારા ત્રણ દિવસ માટે યોગ વિષય પર ચર્ચાનું ઑનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારો આ કાર્યક્રમ ઑનલાઇન યોજાશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન અલગ અલગ વક્તાઓ યોગના મહત્વ, યોગ અને જીવનનું સમન્વય, યોગ અને જીવન પદ્વતિ, ભારતીય યોગ દર્શન, યોગ એક વિજ્ઞાન જેવા અનેકવિધ વિષયો પર વકતવ્ય આપશે અને આ વિષયો પર પ્રકાશ પાડશે.

આ રીતે સંપૂર્ણ કાર્યક્રમ રહેશે

આગામી શુક્રવારે એટલે કે તારીખ 18, જૂન, 2021ના રોજ શુક્રવારે સાંજે 7.00 થી 7.45 કલાક સુધી ‘યોગ- એક વિજ્ઞાન’ વિષય પર વકતવ્ય રહેશે. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના અખિલ ભારતીય કોષાધ્યક્ષ પ્રવીણ દાભોલકર દ્વારા આ વિષય પર વકતવ્ય આપવામાં આવશે.

ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે એટલે કે તારીખ. 19, જૂન, 2021ના રોજ સાંજે 7.00 થી 8.00 કલાક દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ હનુમંતરાવ દ્વારા ‘ભારતીય યોગ દર્શન (પાતંજલ યોગ સૂત્ર)’ વિષય પર વકતવ્ય આપશે.

ત્રીજા દિવસે તારીખ. 20, જૂન, 2021ના રોજ રવિવારે સાંજે 7.00 થી 8.00 કલાક દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ નિવેદિતા ભિડે દ્વારા ‘યોગ – એકાત્મ દર્શન આધારિત જીવન પદ્વતિ’ વિષય પર પ્રકાશ પાડવામાં આવશે.

તે ઉપરાંત 21 જૂન, 2021 એટલે કે વિશ્વ યોગ દિવસના રોજ સવારે 6.30 થી 8.00 કલાક દરમિયાન યોગાભ્યાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ 3 દિવસીય ઑનલાઇન કાર્યક્રમમાં તમે નીચે દર્શાવેલી લિંકના માધ્યમથી પરિવારજનો સાથે જોડાઇ શકો છો.

કાર્યક્રમમાં જોડાવવા માટે અહીંયા ક્લિક કરો – https://tinyurl.com/ywte6y3t