Site icon Revoi.in

અમદાવાદ: બેફામ બની BRTS બસ, રેલિંગ તોડી ડિવાઇડર પર ચઢી ગઇ

Social Share

અમદાવાદ: અમદાવાદમાં લોકો સુગમતાપૂર્વક અને સમયસર ગંતવ્યસ્થાને પહોંચી શકે અને મુસાફરોની સુખાકારી માટે BRTS અને AMTS બસો ચાલે છે પરંતુ આ બંને બસની સેવા અકસ્માતોની હરોળ સર્જવા માટે બદનામ છે. હજુ એક દિવસ પહેલા જ અમદાવાદમાં BRTSની એક બસ બ્રિજના પીલર સાથે અથડાઇ હતી અને બસના બે ફાડિયા થઇ ગયા હતા. આજે BRTS બસે વધુ એક અકસ્માત સર્જયો છે. અકસ્માતને કારણે બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધરણીધર ચાર રસ્તા નજીક BRTS કોરિડોર ખાતે બીઆરટીએસ બસ અને ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઇ હતી. બસ ખાલી હોવાથી કોઇને ઇજા પહોંચી ન હતી. બે દિવસમાં બીઆરટીએસ બસના અકસ્માતની આ બીજી ઘટના બનવા પામી છે.

આ મામલે બીઆરટીએસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આજ રોજ આંબેડકર બ્રિજ ઉતરી ચંદ્રનગર તરફ જતા લોડિંગ વાહન GJ 03 BW 2244 Eicher રેશ ડ્રાઈવિંગ કરતા તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તેની ટક્કર બીઆરટીએસની બસ સાથે થઈ હતી. અકસ્માતમાં BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હોય છે તે લોકેશન પાસે બે રેલીંગ તૂટી છે. સદર સમગ્ર ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી.

નોંધનીય છે કે અગાઉ બુધવારે બપોરે ઇસ્કોનથી આરટીઓ રૂટની બસ નંબર-15 પ્રગતિનગરથી આરટીઓ તરફ જઇ રહી હતી ત્યારે અખબારનગર અંડરપાસ ખાતે ટેકનિકલ કારણોસર બ્રીજના પિલર સાથે અથડાઇ હતી.

(સંકેત)