Site icon Revoi.in

દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની થશે વરણી, વિપુલ ચૌધરીનો પરાજય

Social Share

મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાઇ હતી. વિપુલ ચૌધરીની વિકાસ પેનલ તેમજ અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આજે આ ચૂંટણીના 15 બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલના 13 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જ્યારે 2 બેઠક પર વિકાસ પેનલની જીત નોંધાઇ છે. પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથને મોટો ફટકો પડ્યો છે. ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 15 બેઠક પર 41 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 99.11 ટકા મતદાન થયું હતું.

આ ડેરીના સ્થાપક માનસિંહ પટેલના પુત્ર વિપુલ ચૌધરીની હાર થતા તેમના શાસનનો અંત આવ્યો છે. વર્ષો સુધી ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો લાગ્યા હતા. વાર્ષિક 5800 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધસાગર ડેરી સાથે 6 લાખ 50 હજાર પશુપાલકો તેમજ 1129 મંડળીઓ સંકળાયેલી છે.

ક્યાંથી કોણ વિજેતા બન્યા

1. ચાણસ્મા – અમરતભાઈ માધાભાઈ દેસાઈ, પરિવર્તન પેનલ
2. કડી – જશીબેન રાજાભાઈ દેસાઈ, પરિવર્તન પેનલ
3. પાટણ – રમેશભાઈ મગનભાઈ દેસાઈ પરિવર્તન પેનલ
4. કલોલ – ટાઈ પડતા ચિઠ્ઠી ઉપાડી જીત
5 મહેસાણા – અશોક ચૌધરી, પરિવર્તન પેનલ જીત
6. સમી – સકતાભાઈ ભરવાડ, પરિવર્તન પેનલ
7. સિધ્ધપુર- રમીલાબેન દરબાર, પરિવર્તન પેનલ
8. માણસા- યોગેશ પટેલ, પરિવર્તન પેનલ
9. વિસનગર- એલ કે પટેલ, પરિવર્તન પેનલ
10. ખેરાલુ – માનસિંહ ચૌધરી, પરિવર્તન પેનલ
11. ખેરાલુ – સરદારભાઈ ચૌધરી, પરિવર્તન પેનલ
12. વિજાપુર 1 – પરિવર્તન પેનલની હાર
13. વિજાપુર 2- પરિવર્તન પેનલની હાર
14. વિસનગર 2 – જયેશભાઇ, પરિવર્તન પેનલ
15. માણસા- કનુભાઈ ચૌધરી, પરિવર્તન પેનલ

નોંધનીય છે કે અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રડીપુરા ગામના મૂળ વતની છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. દૂધસાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર પણ હતા.

(સંકેત)