Site icon Revoi.in

રાજકોટ 42 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સૌથી વધુ ગરમ શહેર, સૌરાષ્ટ્રમાં બળબળતી લૂ

Social Share

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જીલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. બળબળતી લૂ વરસતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ઘણા ખરા શહેરોમાં તાપમાન અસામાન્ય રીતે ઊંચકાયેલું નહોતું છતાં બપોરે તેમજ પવન સાથે લૂં ફૂંકાઇ હતી અને રાજકોટ રાજ્યભરમાં સૌથી ગરમ શહેર બની રહ્યું હતું.

રાજકોટમાં સવારે થોડી રાહત બાદ 11 વાગ્યાથી ગરમી એકદમ જ વધવા માંડી હતી અને બપોરે તો ડામરના માર્ગો પરથી વરાળ ઉઠતી હોય તેવું લાગી રહ્યું હતું. 42 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતભરમાં હોટેસ્ટ બની રહેલા રાજકોટમાં બપોરે લોકોની અવરજવર ઓછી થઇ ગઇ હતી.

જૂનાગઢમાં પણ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારે 84 ટકા ભેજયુક્ત વાતાવરણ રહ્યુ હતું. એ જ રીતે જામનગરમાં હવામાં ભેજનું પ્રમાણ 93 ટકા થઇ જતાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસતી મોસમે ફરીથી મિજાજ બદલ્યો છે. અને બપોર દરમિયાન કાળઝાળ ગરમી અને વહેલી સવારે ભેજયુક્ત વાતાવરણમાં લઈને ફરીથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલું જ માત્ર નહીં પવનની તીવ્રતામાં પણ વધારો નોંધાયો હોવાથી બપોર દરમ્યાન ગરમ લૂ ફેંકાઈ હતી. અને પ્રતિ કલાકનાં ૪૦ કિ.મી.ની ઝડપે ફૂકાયેલા તોફાની પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.

હવામાન વિભાગે આગામી શુક્રવાર અને શનિવારે રાજકોટ, પોરબંદર તથા ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવ કન્ડીશન રહેવાની આગાહી સાથે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે.

(સંકેત)