Site icon Revoi.in

મહિલા સશક્તિકરણ આગળ વધતું ગુજરાત: બનાસકાંઠાના લવાણા ગામની મહિલાઓ હીરા ઘસવાની તાલીમ લઇને બની રહી છે પગભર

Social Share

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની જે નેમ અને સંકલ્પ લેવામાં આવ્યો છે તે દિશામાં દેશમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઇ રહી છે. સ્થાનિક ઉત્પાદનને વેગ મળી રહ્યો છે. નિકાસ પર ભાર અપાઇ રહ્યો છે અને કોઇપણ વસ્તુ માટે અન્ય દેશ પરની પરાધીનતાને ઓછી કરવા માટે દેશમાં જ એ વસ્તુના ઉત્પાદનને વેગ મળે તે માટેના પ્રોત્સાહક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આત્મનિર્ભર ભારતન સાથોસાથ દેશમાં મહિલા સશક્તિકરણ માટે પણ અનેક અભિયાન પણ ચાલી રહ્યા છે. ગુજરાતના અનેક ગામોમાં પણ મહિલાઓ પગભર બને, રોજી રોટી કમાઇ શકે અને સશક્ત બને તે માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે.

મહિલા સશક્તિકરણની દિશામાં આવી જ એક પહેલ બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા બહેનોને હીરા ઘસવાની તાલીમ આપવામાં આવે છે.

પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણને વેગ આપવા લવાણા ગામના મહિલા સરપંચ દેમાબેન રાજપૂત અને તેમના પુત્ર રામાભાઇ રાજપૂત દ્વારા ગામની મહિલાઓને ઘર આંગણે રોજગારી આપવા અનોખી પહેલ કરવામાં આવી છે.

આ પહેલથી છૂટક મજૂરી કરતી ગામની માતાઓ, બહેનો તેમજ દિકરીઓ પણ ગામમાં જ રોજગારી મેળવી પોતાના પરિવારને આર્થિક રીતે સશક્ત અને પગભર બનાવવા માટે મદદરૂપ બની રહી છે. હીરા ઘસવાની તાલીમ પૂર્ણ થયા બાદ આ જ મહિલાઓ પાર્ટ ટાઇમ કે પછી ફૂલ ટાઇમ હીરાના વ્યવસાયમાં જોડાઇને મહિને રૂ. 5 હજારથી 15 હજાર સુધીની કમાણી કરી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાતના અનેક ગામોમાં આ રીતે થતી અનેક પહેલથી અનેક મહિલાઓ આજે પગભર અને આર્થિક રીતે પણ સશક્ત બની રહી છે અને આગળ વધી રહી છે. આ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી પહેલને જો દેશના અન્ય રાજ્યોમાં પણ અપનાવાય તો મહિલા સશક્તિકરણને ગતિ મળશે.