Site icon Revoi.in

મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરવામાં આવશે

Social Share

અમદાવાદ: મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરી દેવાયો છે અને નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા ડીએનબી-સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 18 ટકા જીએસટી સાથે સીધી જ બોર્ડમાં ફી ભરવા અને હોસ્પિટલને ફી નહીં ચૂકવવા માટે વિદ્યાર્થીઓને સૂચના અપાઇ છે. જે મુજબ વિદ્યાર્થીઓએ 1.47 લાખથી વધુ ફી ભરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકારના નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા મેડિકલ સુપર સ્પેશ્યાલિટી કોર્સ એવા ડીએનબી કોર્સ ચલાવાય છે અને જેમાં એક્રેડિટેડ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કમ પ્રેક્ટિસ આપવામાં આવે છે. નેશનલ બોર્ડ દ્વારા દર વર્ષે સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં પ્રવેશ માટે નીટ લેવાય છે અને જેના પરિણામના આધારે પ્રવેશ ફાળવાય છે. બોર્ડ દ્વારા પ્રવેશ અરજી પ્રક્રિયામાં તો 18 ટકા જીએસટી સાથેની જ ફી લેવાય છે પરંતુ એડમિશન ફીમાં પણ 18 ટકા જીએસટી લાગુ કરાયો છે.

નેશનલ બોર્ડ દ્વારા તાજેતરમાં ડીએનબી કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓએ કોર્સની 1.25 લાખની ફી પર 18 ટકા જીએસટી મુજબ 22,500 રૂપિયા ભરવાના રહેશે અને જે સાથે કુલ 1,47,500 રૂપિયા ફી ભરવાની રહેશે.

વિદ્યાર્થીઓએ કોઇપણ હોસ્પિટલમાં ફી ભરવાની રહેશે નહીં કે હોસ્પિટલ વિદ્યાર્થી પાસેથી ફી લઇ શકશે નહીં. નેશનલ બોર્ડ દ્વારા માન્ય હોસ્પિટલમાં ડીએનબી કોર્સ માટે જે વિદ્યાર્થીઓને સુપર સ્પેશ્યાલિટી સીટ ફાળવાઇ છે તે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષની ફી સીધી નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશનને આપવાની રહેશે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે તે હોસ્પિટલને પ્રથમ વર્ષની ફી ટ્રાન્સફર કરી દેવાશે.

જે વિદ્યાર્થીઓ 24મીએ કે તેના બાદ સીધી હોસ્પિટલને ફી આપશે તેઓની ફી નેશનલ બોર્ડ દ્વારા ધ્યાને નહી લેવાય અને આવા વિદ્યાર્થીઓને સુપર સ્પેશ્યાલિટી ટ્રેનિંગ માટે નેશનલ બોર્ડ દ્વારા રજિસ્ટર્ડ કરવામા નહી આપવામા આવે.

મહત્વનું છે કે મેડિકલ સુપર સ્પેશ્યાલિટી કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરી દેવાયો છે ત્યારે  વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજોમાં ચર્ચા ઉઠી છે કે જો આ રીતે ખાનગી મેડિકલ કોલેજોના યુજી-પીજી કોર્સની ફીમાં પણ જીએસટી લાગુ થાય તો વિદ્યાર્થીઓએ કેટલી ફી ભરવી પડે કારણકે યુજી-પીજીતો 8 લાખથી લઈને 14 લાખ સુધીની ઊંચી ફી લેવાય છે.

(સંકેત)