Site icon Revoi.in

ધૈર્યરાજ માટે દાનની સરવાણી, સારવાર માટે 38 દિવસમાં 15.48 કરોડ ભેગા થયા

Social Share

નવી દિલ્હી: મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના આવેલા કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ત્રણ માસના ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂ,16 કરોડની જરૂર છે, જે માટે માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાના દાનની સરવાણી થઇ છે. ધૈર્યરાજના પિતાના ખાતામાં રૂ.15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. રાજ્ય સહિત દેશભરમાંથી 2.77 લાખ લોકોએ નાનું-મોટું દાન કરી આ ફાળો એકત્રિત કર્યો છે. હજુ પણ સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આપને જણાવી દઇએ કે ધૈર્યરાજને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ નામની બીમારી છે.

મહીસાગરના લુણાવાડા તાલુકાના ધૈર્યરાજસિંહ રાઠોડને એસએમએ-1 એટલે (સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ) નામની બીમારી હોવાની જાણ તેના પિતા રાજદીપસિંહ રાઠોડને થોડા સમય પહેલાં જ થઈ હતી. આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન રૂ. 16 કરોડમાં અમેરિકાથી મગાવવું પડે તેમ છે. લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ડોક્ટરોએ કહ્યું હતું કે, ધૈર્યરાજના ઇલાજ માટે તેમની પાસે એક વર્ષ છે અને તેની સારવારમાં જે ઇન્જેક્શનનો ઉપયોગ થવાનો છે તેની કિંમત 16 કરોડ રૂપિયા છે. આમ ઇન્જેક્શન માટે ધૈર્યરાજના પિતાએ માતબર રકમ ભેગી કરવાની હતી.

જોકે પરિવારે ચિંતા કર્યા વગર ધૈર્યરાજના નામે ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું એકાઉન્ટ ખોલાવી તે તેમાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી હતી. ઉપરાંત તેમણે આ રકમ ભેગી કરવા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના તમામ લોકો પાસે પ્રાર્થના કરી છે. ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે દાનવીરોએ ઉદાર હાથે દાન આપતા તેના પિતાના ખાતામાં 38 દિવસમાં 15,48,66,844 શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જમા થઈ ગયા હતા. જેવા 16 કરોડ રૂપિયા જમા થઈ જશે તેવો જ તેનો ઇલાજ કરવા ઇન્જેક્શન મગાવવામાં આવશે.

આશરે 2.77 લાખ જેટલા દાનવીરોએ દાન નોં ધોધ વરસાવ્યો હતો. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયા એકત્રિત થઈ ગયા હતા.

(સંકેત)