Site icon Revoi.in

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો મહેમાન બન્યો 12 વર્ષનો હેમલ

Social Share

સ્કેચ કલાના કસબીએ બનાવેલા રેખા ચિત્રથી પ્રભાવિત થઇ રુબરુ મળ્યા

અમદાવાદ: 12 વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ દેખી દેખીને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બિધર માતા-પિતાના પુત્ર હેમલે ગૌતમ અદાણીનો સ્કેચ બનાવ્યો હતો અને આ સ્કેચ તેણે ટ્વીટર ઉપર મૂકીને ગૌતમ અદાણીને ટેગ કર્યા હતા.

હેમલનો નંબર મેળવી તેને જણાવ્યું કે ’ તમે જેમનો સ્કેચ બનાવ્યો છે તે શ્રી ગૌતમ અદાણીને તમને મળવાની ઇચ્છા છે.’ હેમલને પહેલા તો કોઇ સપનું જોતો હોય તેવો ભાસ થયો. પરંતુ આ હકીકત બનવા જઇ રહી હતી.

પોતાનો આ સ્કેચ જોઇને તેમણે આજે આ બાળકને લેવા-મૂકવાની વ્યવસ્થા સાથે ખાસ મળવા માટે વૈષ્ણવ દેવી નજીકના શાંતીગ્રામ ખાતેની ગૃપની કોર્પોરેટ ઓફિસમાં આમંત્રણ આપ્યું હતું. પોતાનો આ સ્કેચ એક મોટા ઉદ્યોગકારની રુબરુ મુલાકાત તરફ દોરી જશે એવી હેમલ જ નહી તેના વડીલોને પણ કલ્પના નહોતી.

પોતાનું આબેહૂબ રેખા ચિત્ર જોઇને હેમલની હસ્તકલાથી પ્રભાવિત થયેલા ગૌતમ અદાણીએ હેમલને ચાંદીની ગજરાજની પ્રતિમા અને ચિત્રકામની કીટ ભેટમાં આપી હતી. હેમલે ભેટ સ્વીકારતા ટવીટ કર્યું હતું કે મને ખૂશી છે કે હું ગૌતમભાઇ અદાણીને તેમની ઓફિસમાં મળી શક્યો. તેમના આશિર્વાદે મને પ્રેરણા પૂરી પાડી છે.’

હેમલના દાદાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે ભારતની અનેક મોટી હસ્તીઓના સ્કેચ બનાવ્યા છે પરંતુ અદાણી જેવા મોટા માણસ સૌ પ્રથમ એવી વ્યક્તિ છે જેણે હેમલની કલા પ્રતિભાને રુબરુ બોલાવીને પોંખી છે.

ન્યુ સી.જી.રોડ ખાતેની સાકાર શાળાના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી હેમલને સ્કેચ -રેખા ચિત્રો બનાવવાની આવડત વારસામાં મળી છે. ચાર પેઢીથી પેઇન્ટીગ સાથે જોડાયેલા પરિવારના હેમલના પિતા મેહુલભાઇ મૂક બધિરતાની શારીરિક ઉણપ સાથે અમારા વ્યવસાયના પત્ર વ્યવહાર અને  કોમ્પ્યુટર સંબંધી કામકાજ સંભાળે છે. હેમલના મમ્મી નીશાબેન ગૃહકાર્ય સંભાળે છે.