Site icon Revoi.in

લવ જેહાદ વિરુદ્વ આપણે સૌએ જાગૃત થવાની જરૂર: પ્રદીપસિંહ જાડેજા

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે બે બેઠકો થશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરાશે અને તેની પર ચર્ચા ચાલી રહી છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, મારા જીવનનું મોટું કામ આજે કરવા જઇ રહ્યો છું. હિંદુ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઇઓના હાથમાં જતી કાયદા દ્વારા બચાવવા ગૃહમાં કાયદો લાવ્યા છીએ. તબલીગ નામની મુસ્લિમ સંસ્થા છે જેનું કામ ધર્મ પરિવર્તન છે અને આપણે સૌએ તેની સામે જાગૃત થવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિંદુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતરણ કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઇને અનેક દીકરીઓના જીવનને નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઇથી કામ કરવા રાજ્ય સરકાર મક્કમ છે.

આ ઉપરાંત ગુજરાત આયુર્વેદિક સુધારા વિધેયક રજૂ કરાશે, જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં વિધેયક રજૂ કરશે. સાથે જ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન નિયમન સુધારા રજૂ થશે, જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાશે. બીજી બેઠકનો પ્રશ્નોતરી કાળથી શરૂઆત થશે, જેમાં નાણાં, માર્ગ અને મકાન વિભાગોના પ્રશ્નો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગોના પ્રશ્નો, તબીબી શિક્ષણ વિધેયકો પર ચર્ચા થશે.

(સંકેત)