Site icon Revoi.in

રાજ્યભરના એમબીબીએસ ઇન્ટર્ન તબીબો માંગ પૂરી ના થતા આજથી હડતાળ પર

Social Share

અમદાવાદ: ગત સપ્તાહે દેશભરના ડોકટર્સની હડતાળ બાદ આજથી રાજ્યની તમામ સરકારી, જીએમઇઆરએસ ઇન્ટર્ન તબીબો હડતાળ પર જશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.

ઇન્ટર્ન તબીબો હાલ મળતા સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ જેવી અનેક માગની રજૂઆત અનેકવાર કરી ચૂક્યા છે. એપ્રિલ મહિનાથી અત્યારસુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરાઇ છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે હાલ એમબીબીએસ ઇન્ટર્ન ડોકટરોને સ્ટાઇપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે જે વધારીને 20,000 કરવા માંગ થઇ રહી છે. સ્ટાઇપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપે તેવી પણ માંગ છે. કોવિડમાં ફરજ બજાવતા ઇન્ટર્નને પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું 1 હજાર લેખે આપવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે.

નોંધનીય છે કે રાજ્ય સરકારે હજુ સુધી ઇન્ટર્ન તબીબોની એકપણ માંગ ના સ્વીકારતા આજથી કોવિડ તથા નોન-કોવિડ સહિત તમામ પ્રકારની ડ્યુટીથી તેઓ અળગા રહેશે. ઇન્ટર્ન તબીબો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે.

(સંકેત)