Site icon Revoi.in

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

Social Share

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 15 જૂનથી થાય છે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 3 અને 4 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે.

31 મેથી 6 જૂન વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે.

વાતાવરણ વારંવાર પલટો, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કૃષિ પાકને મોટું નુકસાન પહોચ્યું છે. જોકે હવે ચોમાસુ સારું રહે તેવી જગતનો તાત આશા રાખી રહ્યો છે.