Site icon Revoi.in

રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ, શનિવાર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

Social Share

ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરોમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. અમદાવાદના 48 વોર્ડ મળી 6 મહાપાલિકાનાના 144 વોર્ડની કુલ 576 બેઠકો માટે 6 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવા માટે રાજ્યના ચૂંટણી પંચે કોરોના સંદર્ભે ગાઇડલાઇન્સ બહાર પાડી છે. ત્યારબાદ 8મીએ ફોર્મ ચકાસણી થશે અને 9મીએ ફોર્મ પાછા ખેંચી શકાશે.

ચૂંટણી પંચે બહાર પાડેલી ગાઇડલાઇન્સ અનુસાર ઉમેદવાર પોઝિટિવ પેશન્ટ ના હોય તે જરૂરી છે, તેમ છતાં જો કોઇ ઉમેદવારને કોરોના થયો હોય તો તેને આગળના દિવસે સંબંધિત ચૂંટણી અધિકારી, આરોગ્ય અધિકારી કે નોડલ ઓફિસરને જાણ કરવાની રહેશે. આવા ઉમેદવારે MBBS કે તેનાથી વધુ નિષ્ણાંત ડોક્ટરનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે અને આ સર્ટિફિકેટ સાથે પીપીઇ કિટ પહેરી નિયત વાહન કે એમ્બ્યુલન્સમાં આવી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરવાનું રહેશે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા ઈચ્છુક પ્રત્યેક ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. ફોર્મ ભરવા ટોળાશાહી ચલાવી લેવાસે નહીં, વધુમાં વધુ બે વાહનમાં ઉમેદવાર સાથે બે વ્યક્તિને એટલે કે ઉમેદવાર, ચૂંટણી એજેન્ટ અને દરખાસ્ત કરનાર એમ ત્રણ જણાને જ ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ મળશે.

ઉમેદવારોની પસંદગી કરવાની આખરી પ્રક્રિયા માટે ભાજપ ચૂંટમી સમિતિની બેઠક પણ મળી રહી છે. સોમવારથી ત્રણ દિવસ મળનારી બેઠકમાં પહેલા દિવસે સુરત, વડોદરા અને ભાવનગરની કુલ 242 બેઠકો માટે ઉમેદવારોની સુનાવણી કરશે. 4 ફેબ્રુઆરીથી ભાજપ તેના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ પક્ષ પણ ગુરુવારથી જ ફોર્મ ભરવાની શરૂઆત કરે તેવી શક્યતા છે.

કોરોના મહામારીના ઘટતા પ્રકોપ વચ્ચે યોજાઈ રહેલી સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકાસવા, પાછા ખેંચવા અને ચૂંટણી પ્રચાર, મતદાન તથા મતગણતરી જેવી બાબતો અંગે રાજ્યના ચૂંટણી પંચ વિભાગે આરોગ્યલક્ષી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જેના પાલન માટે નોડલ ઓફિસરો અને આરોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

(સંકેત)