Site icon Revoi.in

સતત ચોથા વર્ષે “આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજેનો સમાવેશ

Social Share

અમદાવાદ: ગત 14 વર્ષથી ગુજરાતના મીડિયા શિક્ષણમાં અગ્રેસર થઈ રહેલી અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમે ( NIMCJ) સતત ચોથા વર્ષે આઉટલૂક મેગેઝીનના નેશનલ રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નેશનલ રેન્કિંગમાં સતત સ્થાન મેળવનાર NIMCJ ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.

સતત ચાર વર્ષથી એટલે કે વર્ષ 2018,2019,2020 અને આ વર્ષના 2021ના આઉટલૂક મેગેઝીન દ્વારા થતા આઉટલુક-આઈ કેર નેશનલ રેન્કિંગમાં “બેસ્ટ માસ કમ્યુનિકેશન કોલેજ” ની કેટેગરીમાં NIMCJ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રેન્કિંગ એકેડેમિક અને રિસર્ચ એકસેલન્સ, ઇન્ડસ્ટ્રીઝ સાથેના જોડાણો અને પ્લેસમેન્ટ, માળખાકીય અને અન્ય વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ, સંસ્થાકીય વહીવટી કામગીરી અને એડમિશન, વૈવિધ્ય અને આઉટરિચ જેવા માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે. સર્વેક્ષણ કરનારી સંસ્થા આઇકેર અને આઉટલુક દ્વારા સંસ્થાની સઘન સ્ક્રૂટિની કરાયા પછી સમગ્ર દેશમાં કાર્યરત શિક્ષણ સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે NIMCJ “ઇન્ડિયા ટુડે” ના નેશનલ રેન્કિંગમાં પણ વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ એમ ત્રણ વર્ષથી સતત સ્થાન પ્રાપ્ત કરી રહી છે. સંસ્થા દ્વારા સમયની સાથે બદલાતી જતી શિક્ષણ વ્યવસ્થા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓને રોજગારલક્ષી જ્ઞાન અને કૌશલ્ય મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. સંસ્થાની આ સફળતા માટે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને સર્વે ટ્રસ્ટીઓએ સ્ટાફગણને અભિનંદન આપ્યા હતા તેમ નિયામક ડૉ શિરીષ કાશીકરની યાદીમાં જણાવાયું છે.