Site icon Revoi.in

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર કરાશે ભરતી

Social Share

અમદાવાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ કોવિડના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડપી બને તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ ભરવાનો નિર્ણય કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાણકારી આપી છે.

રાજ્યના ગૃહ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને આદેશો કર્યા છે.

રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળમાં ભરતી પ્રક્રિયાનં આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે.