Site icon Revoi.in

રાજકોટમાં મિનિ લોકડાઉનથી વેપારીઓની આર્થિક હાલત કફોડી, દુકાનો ખોલવા કલેક્ટર પાસે માંગી મંજૂરી

Social Share

રાજકોટ: કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત દિવસ દરમિયાન માત્ર મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે અન્ય વ્યવસાય કરતા વેપારીઓની હાલત કફોડી બનતા તેઓએ સરકારના આ મિનિ લોકડાઉનનો વિરોધ કર્યો હતો.

મેડિકલ અને જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયના વ્યવસાયના વેપારીઓને લોકડાઉનને કારણે આર્થિક ફટકો પડતા તેઓ રોષે ભરાયા છે અને આ વેપારીઓએ શહેર જીલ્લા કલેક્ટરને રજૂઆત કરીને દુકાન ખોલવાની પરવાનગી માંગી છે. વેપારીઓની અપીલ છે કે, કા તો સંપૂર્ણ લોકડાઉન લાદો અથવા તો વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપો.

વેપારીઓનો દાવો છે કે, મિની લોકડાઉનને કારણે 40 ટકા બજાર ખુલ્લું રહે છે જ્યારે 60 ટકા જેટલું બંધ રહે છે, તેને કારણે બંધ રહેતા વ્યવસાયને કારણે વેપારીઓને આર્થિક હાલાકી ભોગવવી પડી રહી છે.

વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, મિનિ લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ રહેતા આવકને અસર થઇ છે. બેંકના હપ્તા અને કર્મચારીઓના પગાર સહિતની સમસ્યાઓનો વેપારીઓ સામનો કરી રહ્યા છે.

(સંકેત)