Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું

Social Share

રાજકોટ: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થયા છે. જો કે, એક તરફ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે, તો કોલેજો પણ વેકેશન તરફ વળી છે. કોરોનાના કહેરને જોતા રાજ્ય સરકારે તો શાળાઓમાં વેકેશન જાહેર કર્યું છે, પરંતુ હવે યુનિવર્સિટી અને કોલેજો પણ વેકેશન જાહેર કરી રહી છે. હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેકેશન જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ઉપરાંત તમામ પરીક્ષાઓ વેકેશન બાદ લેવાનો નિર્ણય કર્યો છે. આગામી 5 જૂન સુધી યુનિવર્સિટીના ભવનો તેમજ કોલેજોમાં વેકેશન જાહેર કરાયું છે. કોરોના કાળથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક કેલેન્ડર રફેદફે થઇ ગયું છે. એકેડેમિક કેલેન્ડર અનુસાર દ્વિતીય સત્ર 24મે રોજ પૂર્ણ થવાનું હતુ, પરંતુ કોરોના સંક્રમણ વધતા હવે વેકેશન જાહેર કરાયું છે.

બીજી તરફ, એક સકારાત્મક સમાચાર એ છે કે રાજકોટમાં કોરોનાના સંક્રમણમાં આંશિક રાહત જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલમાં ગ્રાઉન્ડમાં દર્દીઓની લાઇનો ઓછી જોવા મળી રહી છે. લાંબા સમય બાદ આવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સાથે જ કોવિડ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પણ ઘટ્યા છે. ત્રણ દિવસ થી લાઈનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને હવે લાઈનમાં ઉભું રહેવું નથી પડતું.

(સંકેત)