Site icon Revoi.in

ગુજરાત હાઇકોર્ટના લાઇવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઇકોર્ટમાં થશે

Social Share

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાના હસ્તે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત માટે આ એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની ગયું છે. પ્રાયોગિક ધોરણે ગુજરાતના ચીફ જસ્ટિસનું કોર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું અને એને મળેલી સફળતા બાદ ગુજરાત હાઇકોર્ટની બધી જ કોર્ટનું હવેથી લાઇવ સ્ટ્રીમિંગ થઇ શકશે જે માટેના નિયમો ઘડાઇ ગયા છે. તે ઉપરાંત ગુજરાત હાઇખોર્ટના લાઇવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઇકોર્ટમાં પણ થશે.

ગુજરાત હાઇકોર્ટે હાઇકોર્ટની કાર્યવાહીનું યુ ટ્યૂબ લાઇવ પ્રસારણ કરવાનો નિર્ણય લીધો હતો. ચીફ જસ્ટિસ ઑફ ગુજરાત જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ સફળ રહ્યું હતું. ઑપન કોર્ટ કોન્સેપ્ટના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા આ સ્ટ્રીમિંગને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો.

26 ઓક્ટોબર 2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું.8 મહિનાથી વધુ સમયથી ચાલતા આ લાઈવ સ્ટ્રીમિંગના 41 લાખ વ્યુઅર્સ અને 65 હજાર સબ્સ્ક્રાઇબર્સ પણ બન્યા. 20 જુલાઈ 2021 ના રોજ લાઈવ સ્ટ્રીમિંગ માટેના કાયદાઓ ઘડી કાઢવામાં આવ્યા જેને ફૂલ કોર્ટની મંજૂરી પણ મળી ગઈ છે.

મહત્વનું છે કે, 17 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટના લાઇવ સ્ટ્રીમિંગની વિધિવત શરૂઆતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમના અને ઇ-કમિટીના ચેરમેન અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને ખાસ આમંત્રિત મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં તેમજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ ઉપસ્થિત રહ્યાં હતા.