Site icon Revoi.in

પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા હવે નહીં લેવી પડે અપોઇન્ટમેન્ટ

Social Share

અમદાવાદ: પાસપોર્ટમાં ક્યારેક સુધારા વધારા કરાવવા દરમિયાન અરજદારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો કે હવેથી અરજદારોને મુશ્કેલી ના પડે તે માટે તેઓ રિજનલ પાસપોર્ટ ઓફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન ઓફિસ સમયે કોઇપણ પ્રકારના અપોઇન્ટમેન્ટ લીધા વિના જઇ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ અરજદારો ગમે ત્યારે મળી શકે તેવો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાસપોર્ટ પર અરજદારોનો ઘસારો વધતા દેશભરમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. હવે કોઇ પણ અરજદારની સમસ્યાનો નિકાલ પાસપોર્ટ સહાયતા કેન્દ્રમાં ના થાય તો અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસમાં અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આવા અરજદારો પાસપોર્ટ ઓફિસે માત્ર બુધવારે જ અધિકારીને મળી શકતા હતા.

જેના કારણે અરજદારને ગુરુવારે કોઇ તકલીફ પડે તો આખું સપ્તાહ રાહ જોવી પડતી હતી. તેના પગલે ઘણી ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસના નવા અધિકારી રેન મિશ્રાએ ચાર્જ સંભાળ્યો હતો. અરજદારની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે તેમણે સપ્તાહના પાંચેય દિવસ ઓફિસ કોઇપણ અરજદાર પોતાની સમસ્યાને લઇને આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમના આ નિર્ણયથી હવે અરજદારોને ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિદેશ ફરવા કે ભણવા જનારા લોકોની સંખ્યા વધતા પાસપોર્ટ માટેની અરજીઓમાં ઘણા સમયથી વધારો જોવા મળ્યો છે. કેટલાક વર્ષોથી ગુજરાતમાં 6 લાખથી પણ વધુ પાસપોર્ટ દર વર્ષે ઇસ્યૂ થઇ રહ્યા છે.

(સંકેત)