Site icon Revoi.in

સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદા વોર્ડ ઊભા કરાયા

Social Share

સુરતઃ શહેરમાં વરસાદી સીઝનમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલમાં જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે તેના કારણે વાઇરલ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ નોંધનીય રીતે વધી રહ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર સુવિધા સાથે અલાયદા રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં 43 કેસ નોંધાઈ ચૂક્યા છે અને બે દર્દીના મોત પણ થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરુ કરાયો છે. જેમાં વેન્ટીલેટર સાથેના 10 બેડ મુકવામાં આવ્યા છે. આજ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ ત્રીજા માળે વેન્ટીલેટરની વ્યવસ્થા સાથે15 બેડનો અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન  આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લૂના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો દ્વારા પણ કાળજી રાખવામાં આવે તે જરૂરી બન્યું છે. શહેરમાં અત્યાર સુધી 43 કેસો નોંધાયા છે. આજદિન સુધી બે લોકોના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા સુરત અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં હાલમાં 16 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

 

 

Exit mobile version