Site icon Revoi.in

બ્રિટનમાં વડાપ્રધાન પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો પરાજય, લિઝ ટ્રસ બન્યા નવા પીએમ

Social Share

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં લિઝ ટ્રુસનો વિજય થયો છે. તેમણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને નજીકની હરીફાઈમાં હરાવ્યા છે. લિઝ ટ્રસ મંગળવારે વડા પ્રધાન તરીકે શપથ લેશે. લિઝ ટ્રસને 81,326 વોટ અને ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. લિઝ ટ્રસ થેરેસા મે અને માર્ગારેટ થેચર પછી બ્રિટનની ત્રીજી મહિલા વડા પ્રધાન બન્યાં છે.

પીએમની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન શુક્રવારે સમાપ્ત થયું હતું. ચૂંટણી પરિણામો પહેલા આવેલા પ્રી-પોલ સર્વેમાં ઋષિ સુનકને લિઝ ટ્રસની પાછળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

બ્રિટનના નવા પીએમ પદ માટેની ચૂંટણી જુલાઈમાં શરૂ થઈ હતી જ્યારે બોરિસ જ્હોન્સને તેમની સરકારમાં અનેક કૌભાંડો અને મંત્રીઓના રાજીનામા બાદ પીએમ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પીએમ પદ પરથી બોરિસ જોન્સનના રાજીનામા બાદ લગભગ બે મહિનાથી ચાલી રહેલી કવાયતનો આજે અંત આવ્યો અને બ્રિટનને નવા પીએમ મળ્યા છે.

ચૂંટણી પરિણામો પહેલા, ઋષિ સુનકે કહ્યું હતું કે, જો તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં હારી જશે તો તેઓ આગામી સરકારને સહકાર આપશે. પરિણામો જાહેર થયા પહેલા આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય મૂળના યુકેના ભૂતપૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે જો તેઓ વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે હારી જાય તો તેઓ સંસદના સભ્ય રહેવાની યોજના ધરાવે છે.