Site icon Revoi.in

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યની માંગણી કરવાની સાથે લાલુ પ્રસાદે ઉત્તરપ્રદેશના સીએમ યોગી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

લાલુ પ્રસાદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ. અત્યારે મને કોર્ટમાંથી ચૂંટણી લડવાની મંજૂરી નથી. પરવાનગી મળતાં જ હું ચૂંટણી લડીને સંસદમાં આવીશ. યુપીના મુખ્યમંત્રીના શબ્દોથી સ્પષ્ટ છે કે તેઓ નર્વસ થઈ ગયા છે. આનાથી સ્પષ્ટ છે કે આ વખતે યુપીમાં ભાજપનો સફાયો થવાનો છે. તો બીજી તરફ લાલુ પ્રસાદે ફરી એકવાર તેજસ્વી યાદવના આરજેડી અધ્યક્ષ બનવાનો ઈન્કાર કર્યો છે.

વિશેષ રાજ્યના મુદ્દે તેમણે કહ્યું કે આ મુદ્દે JDU-BJP એક સાથે છે.  બંને પક્ષો સાથે હોવા છતાં પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નથી મળી રહ્યો. બંને પક્ષો આ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. લાલુ પ્રસાદે ફરી એકવાર બિહારને વિશેષ દરજ્જાની માંગ કરી છે.

લાલુ પ્રસાદ 10 ફેબ્રુઆરીએ યોજાનારી આરજેડીની કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લેવા પટના પહોંચી ગયા છે. પટના પહોંચતા જ કાર્યકર્તાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વ્હીલ ચેર પર બેસીને બહાર આવેલા લાલુ પ્રસાદે પણ હાથ જોડીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટ પર આરજેડી સુપ્રીમોનું સ્વાગત કરવા માટે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ, વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓ અબ્દુલબારી સિદ્દીકી અને શ્યામ રજક, પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ, પ્રદેશ મહાસચિવ ભાઈઓ અરુણ કુમાર અને મનોજ યાદવ પહોંચ્યા હતા.