અમદાવાદ, 7 એપ્રિલ, 2026 – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પક્ષે જણાવ્યું કે, ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ અભિયાન દ્વારા લોકો સુધી સીધો સંપર્ક સાધી, તેમના જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને સમજવામાં આવ્યા અને તેના આધારે આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. આ માત્ર રાજકીય દસ્તાવેજ નથી, પરંતુ જનતા સાથેનો જીવંત સંવાદ અને જવાબદારીનું પ્રતિબિંબ છે.
ક્યાં અને કોણે મેનિફેસ્ટો જાહેર કર્યા?
અમદાવાદ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મેનીફેસ્ટો કમિટીના ચેરમેન અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર, શહેર પ્રમુખ સોનલબેન પટેલ, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, સુરત ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય અને પૂર્વ સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પ્રવક્તા નૈષધ દેસાઈ, રાજકોટ ખાતે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠીયા, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત સુરેન્દ્રનગર ખાતે શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ભલજીભાઈ સોલંકી, ભાવનગર ખાતે શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલ (લાલભા), વિરોધ પક્ષના નેતા જીતેન્દ્રભાઈ સોલંકી, જામનગર ખાતે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રવક્તા પ્રગતિબેન આહીર, પોરબંદર ખાતે શહેર પ્રમુખ રાજવીર બાપોદરા સહિતના આગેવાનોએ “કોંગ્રેસનું કમીટમેન્ટ” મેનીફેસ્ટોનું લોન્ચિંગ કર્યું હતું.
અમદાવાદ ખાતે કોંગ્રેસનું કમીટમેન્ટ” મેનીફેસ્ટોનું લોન્ચિંગ દરમ્યાન પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે જાહેરાતોની જગ્યાએ જાહેર હિતનું વિચારવું જોઈએ, અમારો જનતાનો મેનિફેસ્ટો’ કોઈ પરંપરાગત વચનપત્ર નથી, પરંતુ ગુજરાતના લાખો નાગરિકોના વિશ્વાસ, આશાઓ અને અપેક્ષાઓનો દસ્તાવેજ છે. અમે લોકો સુધી જઈને, તેમની વચ્ચે બેસીને, તેમના પ્રશ્નોને સાંભળીને આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. તેથી આ દરેક શબ્દ પાછળ જનતાનો અવાજ અને તેમની લાગણીઓ જોડાયેલી છે. કોંગ્રેસ માટે રાજકારણ માત્ર સત્તા મેળવવાનો રસ્તો નથી, પરંતુ લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો સંકલ્પ છે.
કોંગ્રેસની યાદીમાં જણાવ્યા અનુસાર 6 એપ્રિલને સોમવારે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર શહેરોમાં આ મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. દરેક શહેર માટે તેના સ્થાનિક પ્રશ્નો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કમિટમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે આગામી દિવસોમાં બાકીના મહાનગરોના મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવશે.
શું છે કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા?
• શહેરોમાં સ્વચ્છતા અને પર્યાવરણને પ્રાથમિકતા આપતાં કોંગ્રેસે ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની મજબૂત વ્યવસ્થા, નદીઓના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ વિકાસ, તેમજ ગ્રીન કવર વધારવા માટેના આયોજનનો સમાવેશ કર્યો છે. પ્રદૂષણ ઘટાડવા અને શહેરોને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના દિશામાં સ્પષ્ટ પગલાં લેવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
• પાણી અને નિકાસ વ્યવસ્થાને લઈને દરેક ઘરમાં પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું, પીવાના પાણી અને ગટરની લાઈનોને અલગ કરવી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આધુનિક સ્ટોર્મ વોટર સિસ્ટમ ઉભી કરવાની યોજના રજૂ કરવામાં આવી છે.
• આરોગ્ય ક્ષેત્રમાં વોર્ડ દીઠ ૨૪ કલાક કાર્યરત આધુનિક હેલ્થ સેન્ટરો, મફત નિદાન અને સારવાર સુવિધાઓ, સિનિયર સિટિઝન માટે ફ્રી ચેકઅપ અને શહેરસ્તરે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો ઊભી કરવાની વાત મેનિફેસ્ટોમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
• શિક્ષણ અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ, ડિજિટલ લાઈબ્રેરી, WiFi ઝોન, AI આધારિત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગની સુવિધા આપવાની સાથે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રો ઉભા કરવાની દિશામાં કોંગ્રેસે મજબૂત વચન આપ્યું છે.
• રોજગારના મુદ્દે મહાનગરપાલિકાની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત અને સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આપવાની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે, જે સીધો યુવાનોને લાભ પહોંચાડશે.
• મહિલા સશક્તિકરણ માટે મિલકત અને વાહન પર ટેક્સમાં રાહતો, પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટ જેવી સુવિધાઓ, કામકાજી મહિલાઓ માટે હોસ્ટેલ અને પારણા ઘર, તેમજ મહિલા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે।
• ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે ખાડામુક્ત રસ્તાઓ, ગુણવત્તા માટે જનતા ઓડિટ, નવા ફ્લાયઓવર, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, પાર્કિંગ વ્યવસ્થા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ આયોજન રજૂ કરવામાં આવ્યું છે.
• નાના વેપારીઓ અને શ્રમિકોને કેન્દ્રમાં રાખીને લારી-ગલ્લા અને ફેરિયાઓને કાયદેસર માન્યતા, વેન્ડર ઝોન અને સરળ ટેક્સ સિસ્ટમ ઉભી કરવાની સાથે તેમના જીવનમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
• આવાસ અને નગરરચનામાં ‘પહેલાં રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ની માનવીય નીતિ, ગરીબ અને મધ્યમવર્ગ માટે એફોર્ડેબલ હાઉસિંગ અને નવા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• સિનિયર સિટિઝન માટે વિશેષ સુવિધાઓ, રમતગમત માટે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ, તેમજ ડિજિટલ અને પારદર્શક શાસન માટે ઓનલાઈન સેવાઓ અને એન્ટી કરપ્શન મિકેનિઝમ જેવી બાબતો પણ આ મેનિફેસ્ટોમાં સમાવવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નેતાઓએ એક સૂરમાં કહ્યું હતું કે અમે જે કહી રહ્યા છીએ તે પૂર્ણ કરવા માટે જ કહી રહ્યા છીએ. આ મેનિફેસ્ટો એક સ્પષ્ટ રોડમેપ છે. સમયબદ્ધ, જવાબદારીપૂર્ણ અને પારદર્શક અમલીકરણ માટેની બ્લુપ્રિન્ટ છે. કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારથી જ આ તમામ કમિટમેન્ટ્સને તાત્કાલિક અમલમાં મૂકવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ગુજરાતની જનતા વિશ્વાસ રાખે કે આ માત્ર વચન નથી, આ તેમના જીવનમાં સુધારો લાવવાનો અમારો અડગ નિર્ધાર છે. આ મેનિફેસ્ટો સાથે કોંગ્રેસ જનતા પાસે વિશ્વાસ માંગે છે અને બદલામાં જવાબદારીપૂર્વકનું શાસન આપવાનો દૃઢ વિશ્વાસ પણ આપે છે.
ગુજરાત કોંગ્રેસનો આ ‘જનતાનો મેનિફેસ્ટો’ માત્ર રાજકીય દસ્તાવેજ નહીં, પરંતુ પ્રજાલક્ષી શાસન તરફનું એક મજબૂત પગલું છે, જે આવનારા સમયમાં ગુજરાતના શહેરોના વિકાસ અને સુખાકારી માટે માર્ગદર્શક સાબિત થશે, તેમ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે.

