Site icon Revoi.in

દેશના GDPમાં ગુજરાતના 8.36 ટકા યોગદાનને 10 ટકા સુધી લઇ જવાનો રોડમેપ તૈયાર: ભૂપેન્દ્ર પટેલ

Social Share

ગાંધીનગર: નેશનલ ડિફેન્સ કોલેજ NDC, નવી દિલ્હીના ૧૭ જેટલા અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. નેશનલ ડિફેન્સ કોલેજ પાછલા ૬ દાયકાથી એપેક્ષ ઇન્સ્ટીટયુટ તરીકે કાર્યરત છે અને નેશનલ સિક્યુરિટી તથા પોલિસી મેકીંગના અભ્યાસ માટે વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવે છે.

ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ ર૭ મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના વ્યૂહાત્મક સંવર્ધન તેમજ નોલેજ શેરીંગ માટે આ કોલેજમાં દર વર્ષે રિફ્રેશર અભ્યાસ કોર્સ યોજવામાં આવે છે.
આ અભ્યાસ દરમ્યાન અલગ-અલગ સાત જૂથમાં તાલીમાર્થીઓ જુદા-જુદા રાજ્યોની મુલાકાત લે છે.

તદઅનુસાર, NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીર ના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવેલું છે. આ જૂથમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ઓમાન, નાઇઝીરીયા અને મોરેશિયસ રાષ્ટ્રોના અધિકારીઓ પણ સહભાગી થયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સર્વગ્રાહી, સર્વસમાવેશી વિકાસથી દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેના પાયામાં નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ છે તેવો સ્પષ્ટ મત આ જૂથ સમક્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે આ તાલીમી અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના આગવા વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ વિઝન આપ્યું અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો તેમ હવે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આખો વિકાસની તેજ રફતારથી આગળ વધ્યો છે.

ગુજરાતના સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન, અમૃતકાળમાં લોકોને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ, શિક્ષણ, આરોગ્ય, પાણી, લાઇટ, આદિજાતિ વિકાસ, આદિજાતિ યુવાઓને મેડીકલ એજ્યુકેશન સહિતની સુવિધાઓ વિકસીત રાષ્ટ્રો-રાજ્યોના પેરામિટર્સ મુજબ અપાય છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ તાલીમી અધિકારીઓએ પણ મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાતના વિકાસ વિઝનના વિવિધ પાસાંઓ અંગે પ્રશ્નોત્તરી રૂપે રસપ્રદ સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે, ગુજરાત દેશના GDPમાં ૮.૩૬ ટકા જેટલું યોગદાન આપે છે તે વધારીને ૧૦ ટકા એ પહોંચાડવાનો રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, નાનામાં નાના, છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે. ગુજરાતમાં પણ એ જ કાર્યપદ્ધતિથી તેમની સરકાર કાર્યરત છે. NDCના તાલીમી અધિકારીઓએ સુદ્રઢ કોસ્ટલ સિક્યુરિટી, એકતા અને સહયોગ, આગવી ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રોમાં ગુજરાતની પ્રતિષ્ઠાની પ્રસંશા કરી હતી.

આ તાલીમી અધિકારીઓ ૧૭મી માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે તે દરમ્યાન તેમણે બાયસેગ અને ગિફટ સિટીની મુલાકાત લીધી છે. અમૂલ ડેરી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેઓ લેવાના છે.