Site icon Revoi.in

અમદાવાદના મણિનગરમાં જવેલર્સની શોપ પર લૂંટારૂ ત્રાટક્યા, રિવોલ્વરની અણિએ 11.63 લાખની લૂંટ

Social Share

અમદાવાદઃ શહેરમાં મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાનમાં રાતના નવેક વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા લૂંટારૂ શખસો ઘુસી આવ્યા હતાં. અને એક ઇસમએ રિવોલ્વર કાઢીને જવેલર્સ અમૃત માળી સામે ધરી દીધી હતી. જ્યારે અન્ય એક લૂંટારૂ શખસે ઝપાઝપી કરીને ઇસકો ઠોક દે તેવું કહેતા જવેલર્સ ગભરાઇ ગયા હતાં. અને તેમણે આ લુંટારૂઓને કહ્યું હતું કે મને કઇ કરીશ નહીં તારે જે લેવું હોય તે લઇ લે. આમ ફરિયાદીને સાઇડ મે બેઠ જા એમ કહેતા ફરીયાદી સાઇડમાં ખુરશીમાં બેસી ગયા હતાં. અને આ લુંટારૂઓએ કાઉન્ટર પર છરો મુકીને જવેલર્સમાં ડિસ્પલેમાં મુકેલા સોનાના 11.63 લાખના દાગીના લૂંટીને પલાયન થઈ ગયા હતા.

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા 28 વર્ષીય અમૃત માળીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. અમૃત માળીની મણિનગર ભૈરવનાથ સર્કલ નજીક જય ભવાની જ્વેલર્સ નામની શોપ આવેલી છે. ફરિયાદી અમૃત માળી તેમની શોપમાં હાજર હતા. ત્યારે ચાર લૂંટારૂ શખસો આવ્યા હતા. અમૃત માળી કઇ સમજે એ પહેલાં ચાર શખસો પૈકી એક શખસે તેમના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. રિવોલ્વર મૂકતાંની સાથે જ અમૃત માળી ગભરાઈ ગયા હતા. લૂંટારા શખસે અમૃત માળીને ધમકી આપી હતી કે આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં, પહેલે પેરમેં ગોલી મારુંગા ઉસકે બાદ દિમાગમેં,  લૂંટારૂ શખસોની ધમકીથી અમૃત માળી ડરી ગયા હતા અને બાદમાં સરેન્ડર થઇ જતાં લૂંટારાઓએ ડિસ્પ્લેમાં મૂકેલા 11.63 લાખના દાગીના લૂંટી લીધા હતા. દાગીના લૂંટી લીધા બાદ લૂંટાંરૂ શખસો ભાગી ગયા હતા. ત્યાર બાદ અમૃત માળીએ બૂમાબૂમ કરી દીધી હતી. લોકો લૂંટારાઓનો પીછો કરે એ પહેલાં તેઓ તેમનાં વાહનો લઇને નાસી ગયા હતા. અમૃત માળીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને તેમજ પોલીસને કરી હતી. લૂંટની જાણ થતાંની સાથે જ મણિનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ પહોંચી ગઇ હતી. મણિનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  મણિનગરની જવેલર્સ શોપમાં ચાર લૂંટારૂ શખસો દુકાનમાં ઘૂસ્યા અને લૂંટની ઘટનાને અંજામ આપી નાસી ગયા, એ તમામ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. મણિનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે લૂંટ કરનારા કોણ છે એ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને શંકા છે કે લૂંટ કરવા માટે આવેલા લૂંટારૂ શખસો પરપ્રાંતના હોવાની શક્યતા છે. લૂંટારાઓ હવે લક્ઝ્યુરિસ શોરૂમ કરતાં જ્વેલર્સના નાના શોરૂમને ટાર્ગેટ કરી રહ્યા છે. જ્યારે ચારેય શખસ દુકાનમાં ઘૂસ્યા ત્યારે એક શખસે રિવોલ્વર ટાંકી હતી, જ્યારે બીજા શખસે પોતાની પાસે રહેલો ધારદાર છરો કાઢીને કાઉન્ટર પર મૂક્યો હતો. ડિસ્પ્લેમાંથી દાગીના ચોરી લીધા બાદ લૂંટારાઓ છરો લીધા વગર નાસી ગયા હતા, જેથી પોલીસની ટીમે હથિયાર જપ્ત કર્યું છે. લૂંટની આ ઘટનામાં પોલીસે એફએસએલ તેમજ ડોગ-સ્ક્વોડની પણ મદદ લીધી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભૈરુનાથ સર્કલ પર રોડ બનતો હોવાથી ત્યાં ખોદકામ હતું, જેથી લૂંટારાઓએ તેમનાં વાહનો દૂર પાર્ક કર્યા હતા. લૂંટ કર્યા બાદ લૂંટારા શખસો આરામથી નીકળ્યા અને વાહનો લઇને નાસી ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસને શંકા છે કે વાહનો ચોરીના હોઇ શકે છે. આ પહેલાં પણ જ્યારે આવી લૂંટની ઘટનાઓ બની હતી ત્યારે લૂંટારાઓએ ચોરીના વાહનનો ઉપયોગ કર્યો હતો.

Exit mobile version