Site icon Revoi.in

વાવાઝોડાને લીધે ટ્રેનો રદ કરાતા બુકિંગ થયેલી ટિકિટોનું રૂપિયા 4.2 કરોડનું રિફંડ ચુકવવું પડશે

Social Share

અમદાવાદઃ કોરોના અને તાઉ-તે વાવાઝોડાએ જોહેર પરિવહન ક્ષેત્રને પણ સારૂએવું નુકશાન કર્યું છે. જેમાં અનેક ટ્રેનો કેન્સલ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડા દરમિયાન ટ્રેન અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો કેન્સલ કરી દીધી હતી. 15 મેથી 21 મે સુધી રેલવેએ 56 જેટલી ટ્રેનો કેન્સલ કરતા પેસેન્જરોએ ટિકિટ કેન્સલ કરાવી રિફંડ માટે રેલવે સ્ટેશન પર લાઈનો લગાવી હતી. આ દરમિયાન અમદાવાદ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનો પર 50 ટકાથી વધુ ટિકિટનું  કેન્સલેશન થયું હતું. આ સમય દરમિયાન 1,26,892 પેસેન્જરોએ બુકિંગ કરાવતા રેલવેને 8.04 કરોડની આ‌વક થઈ હતી, પણ આ સમયગાળા દરમિયાન 66633 લોકોએ ટિકિટ કેન્સલ કરાવતા રેલવેને 4.20 કરોડ રૂપિયા રિફંડ પેટે ચૂકવવા પડ્યા હતા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે મુસાફરોમાં ઘટાડો થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં વાવાઝોડાએ રેલવેની ‌સમસ્યાને વધુ વધારી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી રેલવેએ એક સપ્તાહ માટે અનેક ટ્રેનો કેન્સલ કરી દેતાં ટિકિટના નાણાંનું રિફંડ મેળવવા માટે સ્ટેશનો પર લોકોની લાઈનો લાગી હતી. ઓનલાઈન બુકિંગ કરાવતા લોકોના નાણાં તેમના ખાતામાં જમા થશે.  હાલના સમયમાં 70 ટકાથી વધુ લોકો આઈઆરસીટીસીની વેબસાઈટથી ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે. જેથી તેમની ટિકિટના નાણાં સીધા તેમના ખાતામાં જમા કરાશે. જ્યારે સ્ટેશન પરથી બુકિંગ કરાવનારને ટિકિટ કેન્સલેશન માટે જે-તે સ્ટેશને જવું પડશે.