Site icon Revoi.in

કચ્છમાં ઓવરલોડ ટ્રક-ટ્રેલરો સામે RTOની કાર્યવાહી, 12 ટ્રક ઓપરેટરો પાસેથી બે લાખ દંડ વસુલાયો

Social Share

ભુજ : કચ્છમાં ઓદ્યાગિક ક્ષેત્રે છેલ્લા બે દાયકોથી સારોએવો વિકાસ થયો છે. દેશના મોટા ગણાતા બે પોર્ટ કચ્છમાં આવેલા છે. તેમજ નાના-મોટા અનેક ઉદ્યોગો છે. તેના લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો પણ સારાએવો વિકાસ થયો છે. કચ્છના રાષ્ટ્રીય ઘોરી માર્ગ 24 કલાક ટ્રક-ટ્રેલરોની આવન-જાવનથી ધમધમી રહ્યો છે. ટ્રક-ટ્રેલરોમાં ઓવરલોડ માલ ભરવામાં આવતો હોવાથી હાઈવેને પણ નુકશાન થઈ રહ્યું છે, ત્યારે આરટીઓએ ટ્રાન્સપોર્ટરો સામે લાલ આંખ કરી છે. અને હાઈવે પર ચેકિંગ કરીને 12થી વધુ ટ્રક ઓપરેટરો સામે દંડાત્મક કાર્યવાહી કરતા ટ્રક ઓપરેટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગ, પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે મોટા પડકાર સમા પરિવહનમાં ઓવરલોડનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે. તંત્રો સાથે સેટિંગ સહિતના મુદ્દા સહિત ધમધોકાર દોડતી ઓવરલોડ ટ્રકો સામે આખરે  આરટીઓ તંત્રે કાર્યવાહીનો દંડો પછાડયો હતો અને જોતજોતામાં 12થી વધુ વાહનો સામે બે લાખ રૂપિયાની દંડાત્મક કાર્યવાહી કરી હતી. બીજીતરફ, આરટીઓની કાર્યવાહીથી માધાપર હાઈવેથી ભુજોડી પાટિયા અને ત્યાંથી શેખપીર ચોકડી સુધીના માર્ગ પર ઓવરલોડ ટ્રકોની લાઈનો લાગી હતી.

કચ્છના આરટીઓ સી.ડી. પટેલે જણાવ્યુ હતું કે, કચેરીની ટીમ દ્વારા ઓવરલોડ વાહનો સામે દંડાત્મક કામગીરી કરવામાં આવી હતી જેમાં સાંજ સુધીમાં 12 વાહનો ઓવરલોડ મળી આવ્યા હતા તેમની સામે બે લાખ કરતાં વધુની રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. દરમિયાન, આરટીઓએ  શેખપીર ચોકડીએ ઓવરલોડ ડમ્પર-ટ્રકોની તપાસ હાથ ધર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતાં હાજીપીર નજીકની કંપનીઓમાંથી નીકળતા અને કંડલા તરફ જતા આવાં વાહનો થોભી જતાં શેખપીર ચોકડી પાસે લાંબી કતારો સર્જાઈ હતી. ટ્રકોને થંભાવી દેવાતાં સર્વિસ રોડ જામ થઈ ગયો હતો.

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રકોમાં ઓવરલોડ સામે કરેલી કાર્યવાહી યોગ્ય છે.અને જિલ્લાના માર્ગો પર દોડતા આવા વાહનો સામે કાર્યવાહીની માંગ વારંવાર તંત્રના કાને નાખતા રહે છે. દરમિયાન આરટીઓએ  જણાવ્યું હતું કે ઓવરલોડ વાહનો સામે આરટીઓની કામગીરી સતત જારી જ છે અને ભવિષ્યમાં પણ અટકવાની નથી. તેમણે કહ્યું કે બે મહિનામાં 126થી વધુ ઓવરલોડ વાહનો સામે 12 લાખથી વધુની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.