Site icon Revoi.in

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા માટે ઝૂંબેશ શરૂકરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની ત્રણેય આરટીઓમાં ગુડઝ વાહનો, ખાનગી બસ, મેક્સિ સહિતના કોમર્શિયલ મળીને અંદાજે 6 હજારથી વધુ વાહનોનો 24 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. જ્યારે રાજ્યની 38 આરટીઓમાં પણ મોટી સંખ્યામાં કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સની વસૂલાત કરવાની બાકી નીકળે છે. કેટલાક એવા પણ વાહનો છે કે જેમણે અત્યાર સુધીમાં એક પણ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી. આ અંગે વાહન વ્યવહાર કમિશનરે બાકી ટેક્સની રકમની રિકવરી માટે અમદાવાદ સહિત વિવિધ આરટીઓ અધિકારીઓને વસૂલાત કરવા માટે આદેશ આપ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની વિવિધ આરટીઓ કચેરીના ચોપડે ઘણાં લાંબા સમયથી વાહનોના બાકી ટેક્સ હોવાનું બહાર આવતા વાહનવ્યવહાર વિભાગ અધિકારીઓએ વસૂલાત માટે આરટીઓ અધિકારીઓ સાથે સંયુક્ત મીટિંગ કરી હતી. ઓનલાઇન મીટિંગમાં પણ બાકી ટેક્સની વસૂલાત માટે ખાસ ઝુંબેશ માટે આરટીઓ અધિકારીઓને તાકીદ કરી હતી. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, કચ્છ-ભુજ, સુરેન્દ્રનગર, વલસાડ, ભરૂચ, ગાંધીનગર, નવસારી, મોરબી આરટીઓમાં બાકી ટેક્સની રકમ ધરાવતા વાહનોની સંખ્યા બે હજારથી પણ વધુ છે. આ જિલ્લાના આરટીઓ અધિકારીઓએ રિકવરીની કાર્યવાહી આદરી છે. આરટીઓના એક અધિકારીના કહેવા મુજબ  વાહનોના બાકી ટેક્સની ત્વરિત કાર્યવાહી કરીને વાહનો ડિટેઇન કરાશે.(file photo)