Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓના કરાતા RTPCR ટેસ્ટ

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. એટલે કે એરપોર્ટ એરટ્રાફિકથી સૌથી વ્યસ્ત બની રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ કોરોનાનો નવો વાઈરસ ઓમિક્રોનનો ભય છે. એટલે સાવચેતી રાખવી જરૂરી બનતા એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમાં હાઈરિસ્ક ગણાતા દેશોમાંથી આવતા પ્રવાસીઓના લેન્ડિંગ બાદ તરત ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાર્ષ્ટ્રીય એરપોર્ટ પર ઓમિક્રોન માટે હાઇરિસ્ક ગણાતા દેશોમાંથી આવનારા પેસેન્જરોના ફ્લાઇટમાંથી ઊતરે અને ગેટમાં પ્રવેશે તે પહેલાં જ આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. તે માટે એરપોર્ટ પર 8 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 120 રેપિડ પીસીઆર મશીન મુકાયાં છે. અત્યાર સુધી પેસેન્જર ઇમિગ્રેશન-કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરી ટર્મિનલ ગેટ બહાર નીકળે ત્યારે આરટીપીસીઆર કરાતો હતો.

ઓમિક્રોન વેરિઅન્ટના હાઈરિસ્ક ગણાતા દેશોમાંથી એરપોર્ટ પર આવતા પેસેન્જરોનું પહેલાં ઇમિગ્રેશન અને કસ્ટમની કામગીરી પૂર્ણ કર્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળે ત્યાં આરટીપીસીઆરનો ટેસ્ટ કરાતો હતો, જેમાં કોઇ પેસેન્જર પોઝિટિવ હોય તો ઇમિગ્રેશન અને કસ્ટમ સહિત એરપોર્ટના અન્ય સ્ટાફને પણ ચેપ લાગવાનું જોખમ હોવાથી વિરોધ પણ થયો હતો, જેને કારણે હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પેસેન્જર ફ્લાઇટમાંથી ઊતરે અને એરપોર્ટમાં પ્રવેશે તે પહેલાં જ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની નવી ગાઇડલાઇન અમલમાં મુકાઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા 220 મુસાફરો માટે પૂરતો વેઇટિંગ એરિયા, આગમનમાં 8 નોંધણી કાઉન્ટર, 120 રેપિડ પીસીઆર મશીન સહિત 4 સેમ્પલિંગ બૂથ ઊભાં કરાયાં છે. (File photo)