Site icon Revoi.in

ગુજરાતમાં જંત્રી વધારા પહેલા જ દસ્તાવેજોની નોંધણી માટે ધસારો, વારંવાર સર્વર ઠપ થતાં મુશ્કેલી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગમી તા. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો થશે. સરકારની જાહેરાત બાદ 15મી એપ્રિલ પહેલા દસ્તાવેજ માટે રજિસ્ટાર કચેરીઓમાં અરજદારોનો જબરો ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા રજાના દિવસે પણ રજિસ્ટ્રાર કચેરીઓમાં કામકાજ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. બીજીબાજુ સર્વરની સમસ્યા અરજદારોને સતાવી રહી છે. સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી દસ્તાવેજ નોંધણી માટે એપાઈન્ટમેન્ટ અને નાણા ભરવામાં પણ અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે. અરજદારોએ આ અંગે ફરિયાદ કરતા એવો જવાબ મળી રહ્યો છે. કે, તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટેનો ધસારો હોવાથી એક સાથે સર્વર પર લોડ પડી રહ્યો છે. તેને લીધે સર્વર ઠપ થઈ રહ્યા છે. 14મી એપ્રિલ સુધી આ સમસ્યા રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં આગામી 15મી એપ્રિલ પછી જંત્રી વધવાને લીધે દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં વધુ ધસારો જોવા મળી રહ્યો છે. આમ છતાં સરકાર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ નથી. એટલું જ નહીં સર્વરની સતત સમસ્યાને લીધે દસ્તાવેજ નોંધણી માટે એપોઇન્ટમેન્ટ અને પૈસા ભરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોની ફરિયાદોને ધ્યાનમાં લેવાતી નહીં હોવાનો અરજદારો રોષ ઠાલવી રહ્યા છે.  અમદાવાદ શહેરની 14 મળી જિલ્લાની 22 કચેરી છે. આમાંથી શહેરમાં મોટા ભાગની કચેરીઓમાં એકથી વધુ સબરજિસ્ટ્રાર કચેરીઓ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં બિલ્ડર્સ તરફથી અત્યારે તમામ તૈયાર મિલકતોમાંથી મોટા ભાગના દસ્તાવેજ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથોસાથ મિલકત ખરીદનાર પણ દસ્તાવેજ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ સર્વરની સમસ્યાને લીધે વકીલોને એપોઇન્ટમેન્ટ મળતી નથી. રજિસ્ટ્રાર કચેરીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, અત્યારે એક કચેરીમાં દિવસના 37 સ્લોટ છે. જે કચેરીઓમાં એક કરતાં વધુ સબરજિસ્ટ્રાર બેસે છે, તે કચેરીઓમાં તો 74 સ્લોટ અથવા 111 સ્લોટ છે, પરંતુ અરજદારોની સંખ્યા વધુ છે. સર્વરની સમસ્યા લાંબા સમયથી છે. (FILE PHOTO)