Site icon Revoi.in

રશિયા ભારતને પોતાનું સૌથી ખતરનાક પાંચમી પેઢીનું ફાઇટર જેટ સુખોઈ-57 આપવા તૈયાર

Social Share

મોસ્કો, 5 જૂન, 2026: વિશ્વના સંરક્ષણ બજાર અને ભારતીય વાયુસેનાની તાકાતને બમણી કરી શકે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ ભારતને પોતાનું સૌથી આધુનિક અને પાંચમી પેઢીનું અત્યંત ઘાતક ફાઇટર જેટ સુખોઈ-57 આપવાની સત્તાવાર ઓફર કરી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેમનો દેશ ભારતને આ સ્ટીલ્થ ફાઇટર જેટ સપ્લાય કરવા માટે માત્ર તૈયાર જ નથી, પરંતુ તેઓ આ વિમાનની ટેક્નોલોજીને ભારત સાથે મળીને સંયુક્ત રીતે આગળ વધારવા પણ ઈચ્છે છે.

રાષ્ટ્રપતિ પુતિને ‘સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ’ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ સાથેની વાતચીતમાં આ મોટું નિવેદન આપ્યું હતું. સુખોઈ-57 ના ભારોભાર વખાણ કરતા તેમણે ઉમેર્યું કે, “આ ફિફ્થ જનરેશન ટેક્નોલોજી છે અને મારા મતે વર્તમાન સમયમાં આ દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ અને શક્તિશાળી લડાયક વિમાન છે.” વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધોના જૂના દિવસોને યાદ કરતા એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે રશિયાએ ઘણા વર્ષો પહેલા જ ભારત સમક્ષ આ ફિફ્થ જનરેશન ટેક્નોલોજી પર સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જમાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે અમે અમારા ભારતીય મિત્રોને આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની ઓફર આપી હતી. પરંતુ ત્યારે ભારતીય પક્ષે અમને કહ્યું હતું કે તમે પહેલા આ વિમાન જાતે બનાવી લો, ત્યારબાદ અમે વિચારીશું અને કદાચ પછીથી આ પ્રોજેક્ટમાં જોડાઈશું. એટલે અમે કોઈની રાહ જોયા વિના આ વિમાનને સંપૂર્ણપણે અમારા પોતાના દમ પર તૈયાર કર્યું છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, હવે જ્યારે આ વિમાન સંપૂર્ણ તૈયાર છે, ત્યારે અમે તેની ટેક્નોલોજી ભારતને સોંપવા માટે તૈયાર છીએ. આ બાબતમાં રશિયા તરફથી કોઈ ખચકાટ કે કોઈ સીમાઓ નડશે નહીં. આ જ સમાન નીતિ અમારી એર ડિફેન્સ સિસ્ટમ્સ પર પણ લાગુ પડે છે.

રશિયા તરફથી આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેના પોતાના કાફલામાં પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ્સ સામેલ કરવા માટે ભારે મથામણ કરી રહી છે. હાલના તબક્કે ચીન પાસે જે-20 જેવા સ્ટીલ્થ ફાઇટર જેટ ઓપરેશનલ છે, જ્યારે ભારત પાસે રડારની નજરમાં ન આવે તેવું એકપણ ઓપરેશનલ સ્ટીલ્થ જેટ નથી. પડોશી દેશ પાકિસ્તાન પણ હવે ચીન પાસેથી અત્યાધુનિક જે-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાની સત્તાવાર યોજના બનાવી ચૂક્યું છે, જે ભારતીય સરહદ માટે મોટો પડકાર બની શકે છે.

ભારત પોતાના પાંચમી પેઢીના સ્વદેશી વિમાન AMCA (એડવાન્સડ મીડિયમ કોબટ એરક્રાફ્ટ) પર ઝડપથી કામ કરી રહ્યું છે. જોકે, તેને સંપૂર્ણપણે તૈયાર થઈને વાયુસેનાના કાફલામાં સામેલ થતાં હજુ ઓછામાં ઓછા 8 થી 10 વર્ષ (2030 ના દાયકાના મધ્ય સુધી) નો સમય લાગી શકે છે. આવી પરિસ્થિતિમાં, જો ભારત રશિયાના આ પ્રસ્તાવને સ્વીકારે છે, તો ટૂંકા ગાળામાં જ દેશને વિશ્વની સૌથી એડવાન્સ મિલિટ્રી ટેક્નોલોજી મળી શકે છે. જોકે, બદલાયેલા વૈશ્વિક સમીકરણો અને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત આ વખતે રશિયાની આ ઓફર પર શું વલણ અપનાવે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

(PHOTO-FILE)

Exit mobile version