Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત

Social Share

વોશિંગ્ટન, 28 જાન્યુઆરી 2026: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે આધુનિક ઈતિહાસની સૌથી વિનાશક લડાઈ બની ગઈ છે. એક તાજા અમેરિકી રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં બંને દેશોના મળીને આશરે 20 લાખ સૈનિકો અસરગ્રસ્ત (મૃત્યુ, ઈજાગ્રસ્ત કે લાપતા) થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં સૌથી વધુ છે.

અમેરિકાના પ્રતિષ્ઠિત થિંક ટેન્ક ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે આ યુદ્ધે વિનાશના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રિપોર્ટ મુજબ, રશિયન સેનાના આશરે 12 લાખ સૈનિકો અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 3.25 લાખ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. યુક્રેને પણ ભારે કિંમત ચૂકવી છે. ડિસેમ્બર 2025 સુધીમાં યુક્રેનના 5 થી 6 લાખ સૈનિકો અસરગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે, જેમાંથી 1 થી 1.4 લાખ સૈનિકો શહીદ થયા છે. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અગાઉ મૃત્યુઆંક ઓછો દર્શાવ્યો હતો, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક નુકસાન ઘણું વધારે છે.

રિપોર્ટમાં એક મહત્વની બાબત એ રેખાંકિત કરવામાં આવી છે કે આટલા મોટા પાયે સૈનિકો ગુમાવવા છતાં રશિયાને જે સૈન્ય સરસાઈ મળવી જોઈએ તે મળી નથી. બીજા વિશ્વયુદ્ધ પછી કોઈપણ મોટા દેશે આટલી મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા નથી. તેમ છતાં રશિયાની જમીની પ્રગતિ અત્યંત સીમિત અને ધીમી રહી છે. યુદ્ધની આગમાં માત્ર સૈનિકો જ નહીં, પણ નિર્દોષ નાગરિકો પણ હોમાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આંકડા અનુસાર, 2025 નું વર્ષ નાગરિકો માટે સૌથી વધુ ઘાતક રહ્યું, જેમાં 2,500 થી વધુ નાગરિકોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2022 થી અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 15,000 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. વાસ્તવિક આંકડો આના કરતા ઘણો વધારે હોવાની આશંકા છે, કારણ કે હજારો લોકો હજુ પણ લાપતા છે. આ રિપોર્ટ સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ યુદ્ધ માત્ર વિનાશ અને રક્તપાત સિવાય બીજું કંઈ આપતું નથી.

આ પણ વાંચોઃ ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

Exit mobile version