Site icon Revoi.in

સંતો સેવાના વ્રત સાથે સમાજ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, સર્વજન હિતાય માટેનું કાર્ય થઈ રહયું છે. આ સંપ્રદાયના સંતો જળ સંરક્ષણ, ગૌ માતાની સેવા, શિક્ષણ માટે ગુરૂકુળની સ્થાપના સહિતના અનેકવિધ સેવા પ્રકલ્પો દ્વારા સમાજની સેવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહયા છે.

તેમણે વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગજનોને ‘‘દિવ્યાંગ’’ થી ‘‘સર્વાંગ’’ બનાવવા માટે યોજાયેલા ‘‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમનો ઉલ્લેખ કરી માનવતાની આનાથી બીજી કોઈ જ મોટી સેવા હોઈ ન શકે, આજે માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું અભિનવ કાર્ય થયું છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આ સેવા કાર્ય દ્વારા સંતોએ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. અન્યોના દુ:ખ – દર્દને સમજી તેને દૂર કરવાનું કાર્ય અહિંના સંતોએ કર્યું છે. આ ચિંતન જ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહયું છે.

રાજયપાલએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આપણે સૌએ પ્રકૃતિનું દોહન – શોષણ કર્યું છે, જેના કારણે આજે જળ – વાયુ પ્રદુષણ વધ્યું છે, તેવા સમયે આપણે સૌ માનવ કલ્યાણના વિવિધ પ્રકલ્પોની સાથે પ્રાકૃતિક ખેતીના કાર્યને પણ અગ્રીમતા આપી સમગ્ર વિશ્વ સમક્ષ ઉભા થયેલા ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે લડવું પડશે.

લોકડાઉનના સમયમાં હવા અને પાણી શુધ્ધ બનતાં તે સમયે આપણને પ્રકૃતિ તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી હતી. તેમ જણાવી રાજયપાલએ પ્રાકૃતિક ખેતી – આહારને જીવન વ્યવહારમાં વણી લઈ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી જમીન – પાણીને વિનાશથી બચાવીને માનવજાતના આરોગ્યના જતનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સમાજ સેવાના કાર્યની સાથે પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના કાર્યના વાહક બનવા પણ આહવાન કર્યું હતુ. આ પ્રસંગે આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચનો પાઠવતાં જણાવ્યું હતુ કે, વડતાલ ધામ દ્વારા દિવ્યાંગજનો માટે ઉચ્ચ પ્રકારની સેવા સાથે માનવ કલ્યાણનું કાર્ય થયું છે. જેના થકી દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન જીવી આત્મનિર્ભર બનશે તેમણે  સહજાનંદ સ્વામીની સમાજ સેવાને આ સંપ્રદાય અનુસરી રહયો હોવાનું પણ જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં સ્વામી સર્વશ્રી નૌતમ સ્વામી, દેવપ્રકાશ સ્વામી, માધવપ્રિયદાસજી અને જ્ઞાનજીવન સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. અંતમાં સંત સ્વામીએ આભાર દર્શન કર્યું હતુ.