Site icon Revoi.in

સાળંગપુરઃ હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા વિવાદીત ભીંતચિત્રો દુર કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રોને પગલે વિરોધ ઉભો થયો હતો. તેમજ રાજ્યના સાધુ-સંતાએ વિરોધ નોંધાવીને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી. આ વિવાદ વધુ વકરતા અંગે સરકારે દરમિયાનગીરી કરવા ઝંપલાવ્યું હતું. અંતે વિવાદીત ચિત્રો દૂર કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન આજે સવાર સુધીમાં તમામ વિવાદીત ચિત્રો દુર કરવામાં આવ્યાં હતા. તેમજ નવા ચિત્રો લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કિંગ ઓફ સાળંગપુરપ્રતિમાની નીચે કંડારવામાં આવેલા ચિત્રોને કારણે વિવાદ સર્જાયો હતો. જેથી સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતન ધર્મના સાધુ-સંતોની બેઠક મળી હતી. આ ઉપરાંત વિવાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે સાથે બેઠક યોજીને વિવાદનો અંત લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે ભીંતચિત્રો છે, તે સૂર્યોદય પહેલા હટાવી લેવામાં આવશે. દરમિયાન આજે વહેલી સવાર પહેલા જ તમામ વિવાદીત ચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા. તેમ જ તેની જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા હતા. સનાતન ધર્મના સાધુ-સંતોએ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક ધાર્મિક પુસ્તકોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમજ વિવાદાસ્પદ મનાતા અધ્યાયને પણ દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.