Site icon Revoi.in

સમજૌતા બ્લાસ્ટ કેસનો ચુકાદો 14મી માર્ચ સુધી ટળ્યો, સ્વામી અસીમાનંદ છે આરોપી

Social Share

દેશમાં લોકસભાની ચૂંટણીના એલાન સાથે જ બનેલા રાજકીય માહોલ વચ્ચે સોમવારે હરિયાણાની પંચકૂલાની એનઆઈએની સ્પેશયલ કોર્ટ સમજૌતા બ્લાસ્ટ કેસના મામલામાં ચુકાદો આપવાની હતી. પરંતુ તેને 14મી માર્ચ સુધી ટાળવામાં આવ્યો છે. આ કેસમાં આખરી ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે પોતાનો ચુકાદો 11મી માર્ચ સોમવારે સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી માટે સોમવારે મામલાના આરોપી સ્વામી અસીમાનંદ, કમલ ચૌહાન, લોકેશ શર્મા અને રાજિન્દર ચૌધરીને પંચકૂલા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. પંચકૂલા કોર્ટની બહાર આરોપીઓના ટેકાદારો દ્વારા ભારતમાતા કી જયના સૂત્રો પણ પોકારવામાં આવ્યા હતા.

ગત બુધવારે એનઆઈએ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન એનઆઈએ કોર્ટમાં સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાન અને રાજિન્દર ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ગત સુનાવણીમાં એનઆઈએની સ્પેશયલ કોર્ટમાં બચાવ પક્ષના વકીલો તરફથી આપવામાં આવેલી દલીલોનો ફરિયાદી પક્ષના વકીલોએ જવાબ આપવાનો હતો. તેના પછી દલીલો પૂર્ણ થઈ ગઈ અને કોર્ટમાં ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. બાદમાં આશા રાખવામાં આવી હતી કે અદાલત 11 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્તાહમાં બે દિવસ ચાલનારી સમજૌતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી-2007ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામામાં 68 લોકોના મોત નીપજ્યા હતા. બ્લાસ્ટમાં 12 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ટ્રેન દિલ્હીથી લાહૌર જઈ રહી હતી. વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના પાકિસ્તાની નાગરીકો હતા. 68 મૃતકોમાં 16 બાળકો સહીત ચાર રેલવેકર્મીઓ પણ સામેલ હતા.

2007માં સમજૌતા એક્સપ્રેસમાં હરિયાણાના પાનીપત જિલ્લાના ચાંદની બાગ પોલીસ સ્ટેશન હેઠળના સિવાહ ગામના દીવાના સ્ટેશન નજીક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના તમામ આરોપીઓ વિરુદ્ધ પંચકૂલાની એનઆઈએની સ્પેશયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલામાં 224 સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ મામલામાં બચાવ પક્ષ તરફથી કોઈ સાક્ષી રજૂ થયો નથી. આ કેસમાં કુલ 302 સાક્ષીઓ હતા. જેમા ચાર પાકિસ્તાની નાગરિકો હતા.

કોર્ટ દ્વારા પાકિસ્તાની નાગરીકોને સતત સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ આમાથી એકપણ સાક્ષી રજૂ થયો નથી. બાદમાં કોર્ટે આ મામલાની સુનાવણી આગળ વધારી હતી. 20મી ફેબ્રુઆરી-2007ના રોજ આ મામલાની તપાસ માટે હરિયાણા પોલીસ તરફથી એસઆઈટીની રચના કરવામાં આવી હતી. સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસે બે શકમંદોના સ્કેચ પણ જાહેર કર્યા હતા. કહેવામાં આવ્યું હતું કે આ બંને ટ્રેનમાં દિલ્હીથી સવાર થયા હતા અને માર્ગમાં ક્યાંક ઉતરી ગયા હતા. બાદમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે શકમંદો સંદર્ભે જાણકારી આપનારાઓને એક લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી.

15મી માર્ચ, 2007ના રોજ હરિયાણા પોલીસે ઈન્દૌરથી બે શકમંદોની ધરપકડ કરી હતી. આ ધરપકડ સમજૌતા વિસ્ફોટ કેસમાં થયેલી પહેલી કાર્યવાહી હતી. પોલીસ તેમના સુધી એક સૂટકેસ કવરના સહારે પહોંચી શકી હતી. આ કવર ઈન્દૌરના એક બજારમાંથી ઘટનાના થોડાક દિવસો પહેલા જ ખરીદવામાં આવ્યું હતું.

બાદમાં આ તર્જ પર હૈદરાબાદની મક્કા મસ્જિદ, અજમેર દરગાહ અને માલેગાંવમાં પણ વિસ્ફોટ થયા અને આ તમામ મામલાના તાર પરસ્પર જોડાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટની તપાસમાં હરિયાણા પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસને અભિનવ ભારત નામના સંગઠનના સામેલ હોવાના સંકેત મળ્યા હતા. બાદમાં આ મામલો એનઆઈએને સોંપી દેવામાં આવ્યો હતો. એનઆઈએએ 26 જૂન-2011ના રોજ પાંચ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

પહેલી ચાર્જશીટમાં નાબાકુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, સુનીલ જોશી, રામચંદ્ર કલસાંગરા, સંદીપ ડાંગે અને લોકશ શર્માના નામ હતા. એનઆઈએનું કહેવું છે કે આ તમા અક્ષરધામ, રઘુનાથમંદિર, સંકટમોચન મંદિરોમાં થયેલા આતંકી હુમલાથી દુખી હતા અને બોમ્બનો બદલો બોમ્બથી લેવા ઈચ્છતા હતા.

બાદમાં એનઆઈએએ પંચકૂલાની વિશેષ કોર્ટ સમક્ષ એક વધારાની ચાર્જશીટ દાખલ કરી હતી. 24 ફેબ્રુઆરી-2014થી આ મામલામાં પંચકૂલાની સ્પેશયલ એનઆઈએ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. ઓગસ્ટ-201માં સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદને જામીન મળ્યા હતા. કોર્ટમાં એનઆઈએ સ્વામી અસીમાનંદ સામે પુરતા પુરાવા રજૂ કરી શકી ન હતી. તેમને સીબીઆઈએ 2010માં ઉત્તરાખંડના હરિદ્વારથી એરેસ્ટ કર્યા હતા. તેમના ઉપર 2006થી 2008 વચ્ચે ભારતમાં કેટલાક સ્થાનો પર બોમ્બ વિસ્ફોટ કરાવવામાં સંડોવણીનો આરોપ હતો. સ્વામી અસીમાનંદ વિરુદ્ધ કેસ તેમની કબૂલાતના આધારે બનાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેમણે ટોર્ચરથી આવું નિવેદન આપ્યું હોવાનું જણાવીને પોતાના પહેલાના નિવેદનને રદિયો આપ્યો હતો.