Site icon Revoi.in

સ્વતંત્રતાસેનાનીથી લઈને કલેક્ટર રહી ચુક્યા છે અલકાયદાના ઈન્ડિયા ચીફ સનાઉલ હકના પૂર્વજો!

Social Share

ઉત્તરપ્રદેશના સંભલમાં દીપા સરાય મોહલ્લો ચાર વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે, અહીંનો વતની આતંકવાદી સનાઉલ હક. આતંકવાદી સનાઉલ હકને અમેરિકા અને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ એક સંયુક્ત અભિયાનમાં ગત મહીને ઠાર કર્યો હતો. સનાઉલ હક અલકાયદાની દક્ષિણ એશિયાની શાખાનો ચીફ હતો. 2015માં સનાઉલ હક ભારતીય એજન્સીઓના મોસ્ટ વોન્ટેડોની યાદીમાં પણ ટોચ પર હતો. સરાય મોહલ્લામાં સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે આતંકવાદી ગતિવિધિઓને કારણે ઠાર થયેલા સનાઉલ હકનો પરિવાર ગામના વિખ્યાત લોકોમાંથી એક હતો. તેના દાદા ગામના પ્રધાન હતા. તેના પૂર્વજ સ્વતંત્રતાસેનાની પણ રહી ચુક્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, અલકાયદા પ્રમુખના પરદાદા બ્રિટિશ શાસન દરમિયાન કલેક્ટર પણ રહી ચુક્યા છે. આતંકવાદી સંગઠનમાં સામેલ હોવાને કારણે સનાઉલ હકના પાડોશીઓ પણ આશ્ચર્યચકિત છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સનાઉલ હકના ભાઈ રિઝવાને કહ્યુ છે કે અમને તેના મોતની જાણકારી સુરક્ષા એજન્સીઓએ ગત મંગળવારે આપી હતી. તેનાથી અને આશ્ચર્ય થયું નથી, કારણ કે 1998માં જ્યારે તેમણે ઘર છોડયું હતું, ત્યારે તેની વય માત્ર 18 વર્ષની હતી અને તેના પછી અમારી તેની સાથે ક્યારેય વાત થઈ નથી. વ્યવસાયે શિક્ષક રિઝવાન અને તેના પિતા ઈરફાન-ઉલ-હક તથા માતા રુકઈયા ઘણાં વર્ષો પહેલા સુધી ગામમાં રહેતા હતા. 70 વર્ષીય રુકઈયાનું કહેવું છે કે 2009માં જ તે અમારા માટે મરી ગયો હતો, જ્યારે સ્થાનિક ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે તે આતંકવાદી સંગઠનમાં સામેલ થઈ ચુક્યો છે. હકને 2010માં અલકાયદા પ્રમુખ અયમાન અલ જવાહિરીએ સંગઠનમાં એક મોટું પદ આપ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે 2009માં ગુપ્તચર એજન્સીના અધિકારી સંભલ ખાતના હકના ઘરે પહોંચ્યા અને જણાવ્યુ કે 11 વર્ષ પહેલા ગાયબ થયેલો તેમનો પુત્ર હકીકતમાં આતંકી સંગઠન તહેરીક-એ-તાલિબાન અને અલકાયદા માટે કામ કરી રહ્યો છે. પુત્રની આતંકવાદી સંગઠનમાં સામેલ થવાની જાણકારી મળતા જ ત્યારે 75 વર્ષીય હકના પિતા ઈરફાન-ઉલ-હકે તાત્કાલિક સ્થાનિક અખબારમાં જાહેરાત આપીને પરિવારના પોતાના પુત્ર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હોવાનું જાહેર કર્યું હતું.

સનાઉલ હકના આતંકવાદી સંગઠનમાં સામેલ થવાને કારણે ગુપ્તચર એજન્સીઓ બાદમાં તેના બંને ભાઈઓને પૂછપરછ માટે લઈ ગઈ હતી અને તેની વચ્ચે 2017માં ઈરફાન ઉલ હકનું નિધન થયું હતું. રુકઈયાએ પણ હંમેશા માટે દીપા સરાય છોડી દીધું હતું. પાડોશીઓ પ્રમાણે, તેમણે કહ્યુ હતુ કે તેઓ પોતાના બીજા પુત્રની સાથે રહેશે, જે દિલ્હીમાં એન્જિનિયર છે.