નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : સામાન્ય રીતે જ્યારે પણ ભારતીયોને વિદેશમાંથી પરત મોકલવાની (ડિપોર્ટ કરવાની) વાત આવે ત્યારે લોકોના મનમાં અમેરિકાનું નામ પ્રથમ આવે છે. પરંતુ રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓએ આ ધારણાને ખોટી સાબિત કરી છે. વર્ષ 2025ના સત્તાવાર રિપોર્ટ મુજબ, ભારતીયોને ડિપોર્ટ કરવામાં મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા વિશ્વમાં પ્રથમ નંબરે છે.
વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2025માં દુનિયાના 81 દેશોમાંથી કુલ 24,600થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સાઉદી અરેબિયાએ એકલા હાથે 11,000થી વધુ ભારતીયોને દેશનિકાલ કર્યા છે, જે અમેરિકા કરતા લગભગ ત્રણ ગણા છે. અમેરિકામાંથી 2300, મ્યાનમારમાંથી 191, મલેશિયામાંથી 1485, યુએઈમાંથી 1469 અને બહેરીમાંથી 764 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા.
આ પણ વાંચોઃ ખાલી ખુરશી અને ભવિષ્યનો દીવો: એક જવાબદાર પિતાની અંતિમ ભેટ
અમેરિકાએ 2025માં 3,800 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. નિષ્ણાતોના મતે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિઝા સ્ટેટ્સ, વર્ક પરમિટ અને ઓવરસ્ટે (મર્યાદા કરતા વધુ રોકાણ) અંગે લેવાયેલા કડક નિર્ણયોને કારણે આ સંખ્યા વધી છે. સૌથી વધુ વોશિંગ્ટન ડીસી (3,414) અને હ્યુસ્ટન (234) થી ભારતીયોને પરત મોકલાયા છે.
- વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં બ્રિટન (UK) અવ્વલ
જો માત્ર વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે, તો આ યાદીમાં બ્રિટન પ્રથમ સ્થાને છે. વર્ષ 2025માં 170 ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાંથી પરત મોકલી દેવાયા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા (114), રશિયા (82) અને અમેરિકા (45) નો નંબર આવે છે.
આ પણ વાંચોઃ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સહિત 48 સ્ટેશનોની ક્ષમતા બમણી કરાશે

