Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન 21 લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકી 96 અધ્યાપકોની માન્યતા રદ કરાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો કાઉન્સિલના નિયમો મુજબ ચાલતી ન હોવાથી 21 ખાનગી લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવામાં આવી હતી. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં. આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં લો કોલેજ બાર કાઉન્સિલના નિયમો પ્રમાણે ચાલે છે, કે કેમ તે સહિતના જુદા જુદા 30થી વધુ મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 21 જેટલી ખાનગી લો કોલેજોના બિલ્ડિંગ, ભરતી, શૈક્ષણિક સુવિધા અને વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે ચાલે છે કે કેમ તેના માટે એક કમિટીએ તપાસ કરી હતી અને તેનો રિપોર્ટ એકેડેમિક કાઉન્સિલમાં જમા કર્યો હતો જેમાં ખાનગી કોલેજો બાર કાઉન્સિલના નિયમોનું પાલન નહીં કરતી હોવાનું બહાર આવતા આવતા વર્ષથી આ તમામ 21 લો કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો છે. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં.

આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં જુદા જુદા 30થી વધુ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો લો કોલેજ મુદ્દે કમિટી જે રિપોર્ટ સબમિટ કરવાની હતી તેનો હતો. કમિટીએ યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ સિવાયની જેટલી ખાનગી કોલેજો છે, તેમાં બાંધકામ, ભરતી, વિદ્યાર્થીઓ માટેની સુવિધા-વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ મુજબ નહીં હોવાનો રિપોર્ટ સબમિટ કરતા એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ આવતા વર્ષથી તમામ 21 ખાનગી લો કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિ, સંલગ્ન ખાનગી લો કોલેજોમાં  નિયમ મુજબ કોઈ પ્રોફેસર કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત ન કરી શકે તેમ છતાં કેટલાક પ્રોફેસર બંને વ્યવસાય સાથે કરી રહ્યાં હોવાનું ધ્યાને આવતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ કરવા એકેડેમિક કાઉન્સિલે નિર્ણય કર્યો છે. હવેથી આ પ્રોફેસરો ખાનગી કોલેજોમાં લો સંબંધિત અભ્યાસક્રમ ભણાવી શકશે નહીં. આવતા વર્ષ સુધી ખાનગી લો કોલેજો તમામ વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ મુજબ નહીં કરે તો એડમિશન આપી શકશે નહીં. બેઠકમાં શિપ્રા કોલેજમાં છેલ્લા છ વર્ષથી એલઆઈસી થઇ નહીં હોવાથી આ કોલેજનું જોડાણ હાલ પૂરતું મંજૂર નહીં કરવા પણ એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણય કરાયો છે. પરંતુ શા માટે યુનિવર્સિટી કે જોડાણ વિભાગે આટલા વર્ષોથી એલઆઈસી ન કરી તે પણ શંકા ઉપજાવે છે.