Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષો પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી પણ ઈન્ટરવ્યુ લેવાનું મૂહુર્ત મળતું નથી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ ત્રણ વર્ષ પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી હતી. ત્રણ વર્ષ બાદ પણ યુનિવર્સિટીના સત્તાધિશોને પ્રોફેસરની ભરતીના ઈન્ટરવ્યું લેવાનું કોઈ મૂહુર્ત મળતુ નથી. આથી ઉમેદવારોએ પણ ભરતીની આશા છોડી દીધી છે.

સૂત્રોના જણાવ્ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચઢી છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની 52થી વધુ જગ્યા માટે અરજીઓ મગાવવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ ત્રણ વર્ષ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી. વર્ષ 2022 સુધી યુનિવર્સિટીનું મહેકમ વિભાગ માત્ર પ્રોફેસરોની ભરતી માટેની આવેલી અરજીઓ ચકાસતું રહ્યું,  સ્ક્રૂટિની કરી પરંતુ આજદિન સુધી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હજુ સુધી કરી શક્યું નથી. 2019માં મગાવેલી 423થી વધુ અરજીઓમાંથી 295 લાયક, ડિગ્રી, અનુભવ, રિસર્ચ પેપરના અભાવે 128 ગેરલાયક ઠર્યા છે. વર્ષ 2019માં જ્યારે યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી જગ્યા ભરવા માટે અરજીઓ મગાવવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર ભરતી થઇ શકી ન હતી પરંતુ જૂન મહિનામાં આ તમામ અરજીઓનું સ્ક્રૂટિની કરીને કેટલી અરજીઓ માન્ય રહી અને કેટલી રિજેક્ટ થઇ તેનું લિસ્ટ પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉ જુલાઈમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેના ઈન્ટરવ્યૂ ગોઠવવાની વાત થઇ રહી હતી, પરંતુ ઓગસ્ટ મહિનાના અંત સુધી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા ક્યારે થશે તે અંગે હજુ અસમંજસ છે. યુનિવર્સિટીના સત્તાધિશોની આળસુ વૃત્તિના કારણે આ પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરની પોસ્ટ માટેની માત્ર 5 જ ઉમેદવાર લાયક ઠર્યા હતા જ્યારે 29 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. એસોસિએટ પ્રોફેસરમાં પણ માત્ર 5 અરજી માન્ય રહી હતી 34 અરજી રિજેક્ટ થઇ હતી જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 285 ઉમેદવાર લાયક રહ્યા હતા જ્યારે 50 ઉમેદવાર ગેરલાયક ઠર્યા હતા. આ ઉપરાંત રિસર્ચ ઓફિસરની પણ 15 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. કુલ 295 અરજી માન્ય રહી છે અને 128 અરજી અમાન્ય રહી છે.