Site icon Revoi.in

સૌરાષ્ટ્રના 52 ડેમ ઓવરફ્લો, ભાદર-1ના 29 દરવાજા 7 ફૂટ ખોલાયા, રાજકોટ જિલ્લાના 21 ડેમ છલકાયાં

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદને કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો બન્યા છે. જેમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ 29 દરવાજા 7 ફૂટ ખોલાતા ભાદર નદી ગાંડીતૂર થઇ હતી. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં ડેમના પાટિયાથી 2 કિલોમીટર દૂર આવેલો લીલાખા-દેવડા રોડ પરથી પસાર થઇ રહેલાં વાહનો અને બે કાંઠે વહેતી નદીનો અદભુત નજારો જોવા મળ્યો હતો.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 52 ડેમ ઓવરફ્લો થયા છે. જે ડેમ ઓવરફ્લો નથી થયા તે સંપૂર્ણ સપાટીથી નજીક છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે. જ્યારે સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લાના 27માંથી 21 ડેમ એક સાથે ઓવરફ્લો થયાં છે. પાણીની સ્થિતિ જોતા નીચાણવાળા 22 ગામને એલર્ટ કરી દેવાયા છે. રાજકોટના મોટાભાગના ડેમો પાણીથી ઊભરાયા છે. જિલ્લાનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ભાદર-2, વેણુ-2, સૂરવો, આજી-1, આજી-2, આજી-3, આજી-4, મોજ, ન્યારી-1, ન્યારી-2, ફોફળ-1, લાલપરી તેમજ વેરી ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે છાપરવાડી-1, છાપરવાડી-2, મોતીસર, ખોડાપીપર, ડોંડી તેમજ છોડવદર અને વાછપરી ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત ભાવનગરનો શેત્રુંજી ડેમ, અમરેલીનો ધાતરવાડી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, જામનગરનો રણજીસાગર ડેમ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના ડેમ પણ ઓવરફ્લો બન્યા છે.